૧ ફેબ્રુઆરી : ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ડે : આ વર્ષે ૪૯મો તટરક્ષક દળ દિવસ : જાણો.. તટરક્ષક દળની સ્થાપનાનો ઇતિહાસમોરબી : ભારત દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરીની તમામ જવાબદારી દેશના તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ) સંભાળે છે. દેશભરમાં “ભારતીય તટરક્ષક દળ દિવસ” દર વર્ષે ૧ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દળના ૪૯માં સ્થાપના દિવસના ઉપલક્ષમાં 'સમુદ્ર કે પ્રહરી - સરહદ સે સમંદર મોટર સાયકલ અભિયાન' અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરાયું છે. 'वयम रक्षाम:' અર્થાત 'અમે રક્ષણ કરીએ છીએ.'ના સૂત્ર સાથે ભારત દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરીની તમામ જવાબદારી દેશના તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ) સંભાળે છે. દેશભરમાં ભારતીય તટરક્ષક દળ દિવસ દર વર્ષે ૧ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૪૯મો તટરક્ષક દળ દિવસ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.વિશ્વમાં ચોથા ક્રમે સૌથી મોટા તટરક્ષક દળ તરીકે ભારતીય તટરક્ષક દળને સ્થાન પ્રાપ્ત છે. તટરક્ષક દળે ભારતના દરિયાકાંઠાઓની સુરક્ષામાં અને ભારતના સમુદ્રી ક્ષેત્રમાં નિયમોનો અમલ કરવાના ખુબ જ નોંધનીય ભૂમિકા નિભાવી છે. આ સેવાદળ એ આજદિન સુધીમાં ૧૦,૦૦૦ થી વધુ લોકોના જીવ બચાવવાનો અને ૧૪,૦૦૦થી વધારે ઘુસણખોરોને ઝડપી લેવાનો શ્રેય પ્રાપ્ત કર્યો છે. ભારતીય તટરક્ષક દળ દ્વારા સરેરાશ સમુદ્રમાં દર બીજા દિવસે એક વ્યક્તિનો કિંમતી જીવ બચાવવામાં આવે છે.તટરક્ષક દળની સ્થાપનાનો ઈતિહાસભારતીય નૌકાદળ ૧૯૬૦ના દાયકાથી ભારતીય જળસીમામાં દરિયાઈ કાયદાનો અમલ કરવા અને તેના ઉપક્રમોની સલામતીની જવાબદારી નિભાવવા માટે એક સહાયક સંસ્થાની સ્થાપના માટે માંગણી કરી રહી હતી. નૌકાદળની આ માંગને ભારત સરકારે સ્વીકારી લીધી. જેનું એક મહત્વનું કારણ દરિયાઈ દાણચોરીને અટકાવવાનું પણ હતું.ઇ.સ. ૧૯૬૦ના દાયકા દરમિયાન રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડતી દરિયાઈ દાણચોરી તેની ટોચ પર હતી. કસ્ટમ્સ અને ફિશરીઝની એજન્સીઓ માર્યાદિત ક્ષમતા સાથે પૂરતા પ્રયાસો કરતી હતી. આમ છતાં પણ વિશાળ દરિયાઈ સીમાનો ગેરલાભ ઉઠાવીને દાણચોરો ગેરકાયદે દાણચોરી-પ્રવૃતિને અંજામ આપતા હતા. દાણચોરીની વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે ઈ.સ. ૧૯૭૦માં નાગ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. સમિતિએ તેની ભલામણમાં દાણચોરીની પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે એક અલગ દરિયાઈ દળની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.સરકારે સપ્ટેમ્બર, ૧૯૭૪માં ભારતીય પોલીસ સેવાના કે. એફ. રૂસ્તમજી (ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરી. સમિતિનું કાર્ય દાણચોરી અને ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓને રોકવામાં વર્તમાન વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરવાનું અને ભારતના દરિયાઈ સંસાધનોના રક્ષણ માટેના પગલાં સૂચવવાનું હતું. સમિતિએ ઈ.સ. ૧૯૭૫માં તેના અહેવાલમાં દરિયાઈ વિસ્તારની સંભાળ અને સંરક્ષણ માટે કોસ્ટ ગાર્ડ જેવી સંસ્થાની સ્થાપના કરવાની ભારપૂર્વક ભલામણ કરી હતી.ઈ.સ. ૧૯૭૭માં, કેન્દ્રીય કેબિનેટે ભારતીય નૌકાદળમાંથી સ્થાનાંતરિત બે જહાજો અને પાંચ પેટ્રોલિંગ બોટ સાથે કોસ્ટ ગાર્ડની સ્થાપનાની મંજૂરી આપી. આ રીતે ૧ ફેબ્રુઆરી, ૧૯૭૮ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ ભારતના જળચર અને વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની દેખરેખ માટે માત્ર સાત જહાજોના કાફલા સાથે અસ્તિત્વમાં આવ્યું. ૧૯ ઓગસ્ટ, ૧૯૭૮ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારતીય કોસ્ટ ગાર્ડનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું.