હળવદ : આજ રોજ 31 જાન્યુઆરીના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરુના મુહૂર્તના સોદા થયા છે. આજે હળવદ યાર્ડમાં સિઝનમાં પ્રથમ વખત જીરુંની આવક થઈ છે. જેમાં મુહૂર્તના ભાવ પ્રતિ મણે 14,114 રૂપિયા ખેડૂતને મળ્યા છે.મહત્વનું છે કે, સામાન્ય રીતે માર્કેટિંગ યાર્ડમાં જીરુંની આવક ફેબ્રુઆરી મહિનાના અંતમાં થતી હોય છે. પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે હળવદ તાલુકાના વેગડવાવ ગામના ખેડૂત મુકેશભાઈ ગોરધનભાઈ જીરું વેચવા માટે આવ્યા હતા. તેમણે આગોતરું વાવેતર કર્યું હોય આજે તેઓ જીરું વેચવા માટે પહોંચ્યા હતા. નવી સિઝનનું નવું જીરું ખરીદવા માટે વેપારીઓએ પણ સારો ઉત્સાહ દેખાડ્યો હતો. વેપારીઓએ હરાજી લગાવીને મુહૂર્તના સોદામાં 14,114 રૂપિયા પ્રતિ મણને ભાવ ખેડૂતને આપ્યો હતો. 21 કિલો જીરું ખેડૂત મુકેશભાઈએ વેપારીને વેચ્યું હતું. મહત્વનું છે કે, હાલ જીરુંનો સામાન્ય ભાવ 3800 થી 4100 રૂપિયા પ્રતિ મણ છે. ત્યારે મુહૂર્તમાં ખેડૂતને 14,114 રૂપિયા ભાવ મળતા ખુશી જોવા મળી હતી.