કોઈ પણ જાણ વગર સનદ ફરી ગઈ : ન્યાયની માંગ સાથે વિધવા બહેનની મ્યુનિસિપલ કમિશનરને રજુઆત : 8 દિવસમાં ન્યાય નહિ મળે તો આપઘાતની ચીમકીમોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપો ઉઠી રહ્યા છે. એક વિધવા બહેનનું મકાન અન્યના નામે થઈ ગયું હોય તેઓએ તટસ્થ તપાસની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરીને 8 દિવસમાં ન્યાય નહી મળે તો આપઘાતની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે મનીષાબેન રાઠોડે જણાવ્યું કે 2018માં મને ઘરની સનદ આપી હતી. મારા પતિનું નિધન થયું છે. ત્યારબાદ જાણ વગર એક દોઢ કે બે વર્ષ પહેલાં મકાન બીજાને આપી દેવામાં આવ્યું છે. મેં નગરપાલિકા કચેરીએ અનેક ધક્કા ખાધા પરંતુ કોઈ જવાબ આપવામાં આવતો નથી. અત્યારે મહાપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી છે. તેઓએ 8 દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. હવે જો 8 દિવસમાં ન્યાય નહિ મળે તો આપઘાત કરીશ. સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ આ મામલે જણાવ્યું કે આ યોજના પ્રધાનમંત્રીએ ગરીબો માટે શરૂ કરી હતી. પણ અહીં આ બેનના મકાનની સનદ ફરી ગઈ છે. લાઈટબિલ ફરી ગયું. નિયમ પ્રમાણે સનદ ફરે નહિ. આ મામલે ફોજદારી ગુનો નોંધી શકાય. આ બહેન વિધવા છે. આ બહેનને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી. આવાસ યોજનામાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ બહેન પારકા કામ કરે છે અને દીકરો પણ અપંગ છે. આ બેનને ન્યાય મળે તેવી માંગ છે.