મોરબી : તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડના Centralised Employment Notification (CEN) No.08/2024 થી Group – “D” (Level-1) ની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે જાહેરાતમાં 32438 જેટલી અલગ અલગ ટેક્નિકલ પોસ્ટ માટે ઓનલાઇન અરજી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવી છે. જે અરજી કરવાની અંતિમ તારીખ 22-02-2025 છે. ત્યારે આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા યુવાનો માટે મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા 35 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા રોજગાર વાંચ્છુક ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળે અને તેઓ સરકારી સેવામાં જોડાય તેવા શુભ આશયથી મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લાના ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકે તે માટે કુલ 35 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે 5 કેન્દ્રોમાં તા.31-01-2025ના રોજ સવારે 10-30 થી સાંજના 6-10 સુધી અને ગ્રામ્ય કક્ષાએ 30 જેટલા કેન્દ્રો ખાતે તા.01-02-2025 ના રોજ સવારે 10-30 થી સાંજના 6-10 સુધી ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકશે. ગ્રામ્ય કક્ષાએ શરૂ થનાર કેન્દ્રોની વાત કરીએ તો ટંકારા તાલુકાના નેકનામ, નેસડા ખાનપર, લજાઈ અને સાવડી ગામે, માળિયા તાલુકાના ખાખરેચી, વવાણીયા અને સરવડ ગામે, મોરબી તાલુકાના આમરણ, ખરેડા, ખાખરાળા, ઘુંટુ, બગથળા, ભરતનગર, રંગપર, રાજપર અને લાલપર ગામે, વાંકાનેર તાલુકાના કોઠી, ઢુવા, તીથવા, દલડી, પાડધરા, પીપળીયા રાજ, મેસરીયા અને સિંધાવદર ગામે, હળવદ તાલુકાના જુના દેવળીયા, ટીકરણ (રણ), મયુરનગર, માથક, રણમલપુર અને સાપકડા ગામે કેન્દ્ર શરૂ કરાશે.