મ્યુનિ. કમિશનરની શુભેચ્છા મુલાકાત સાથે બાંધકામને લગતા વિવિધ પ્રશ્નોની રજુઆત કરાઈ : મોરબીને D4 કેટેગરીમાંથી હટાવી D3 કેટેગરીમાં લેવામાં આવે, જેથી હાઇરાઈઝ બિલ્ડીંગો બનાવી શકાય તેવી પણ રજુઆતમોરબી : મોરબી બિલ્ડર્સ એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે બાંધકામ ઉદ્યોગને લગતા પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કમિશનરે જણાવ્યું હતું.મોરબી ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઓનલાઈન બાંધકામ મંજૂરી ઝડપથી તેમજ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ગામતળ વિસ્તારમાં 2.0 તેમજ ગામતળ સિવાયના વિસ્તારમાં 1.8 એફ.એસ.આઇ. ગુજરાત સરકારના CGDCR મુજબ હાલ મળે છે તેમાં વધારો કરવામાં આવે જેથી બાંધકામ ઉદ્યોગને વેગ મળી રહે.ગુજરાત સરકારના CGDCR મુજબ મોરબી હાલ D4 કેટેગરીમાં આવે છે તેમાં ફેરફાર કરીને D3 કેટેગરીમાં સમાવવામાં આવે. જેથી કરીને મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ અમદાવાદ સુરત જેવા શહેરોની જેમ હાઇરાઇઝ બિલ્ડીંગોનું નિર્માણ થઈ શકે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારનો નવો ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) ઝડપથી બનાવવામાં આવે જેના પરથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારનો ટાઉન પ્લાન (ટીપી) બની શકે જેથી કરીને મોરબીના નગરજનોને મહાનગરપાલિકાની પાયાની સુવિધાઓનો લાભ મળી રહે.મોરબી મહાનગરપાલિકામાં કાયમી ટાઉન પ્લાનિંગ અધિકારીની નિમણૂક કરવામાં આવે જેથી કરીને બાંધકામ ઉદ્યોગ ને લગતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ થઈ શકે. જુના મોરબી શહેરમાં આવેલ દુકાનો કે જેમનું ક્ષેત્રફળ 25 ચોરસ મીટર કરતા ઓછું હોય આવી દુકાનો નું બાંધકામ નિયમો મુજબ નવીનીકરણ શક્ય ન હોય આવા કિસ્સામાં માર્જિન ની જગ્યા છોડ્યા વગર G+1 સુધીનું બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવે જેથી કરીને જૂના શહેરનું નવીનીકરણ થઈ શકે. આ આવેદન વેળાએ એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ શેરસીયા, ઉપપ્રમુખ રુચિરભાઈ કારીયા, હિતેષભાઈ રંગપરીયા, જગદિશભાઈ એરવાડીયા, જનરલ/ જોઈન્ટ સેક્રેટરી પુષ્પરાજસિંહ જાડેજા, કેતનભાઈ લોરીયા સહિતના જોડાયા હતા.