તા. ૩૦ જાન્યુઆરી - મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ - રાષ્ટ્રીય શહીદ દિવસમોરબી : દેશ માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે ૩૦ જાન્યુઆરીએ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. ૩૦ જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી, તેથી દર વર્ષે લોકો તેમની પુણ્યતિથિ પર ભારતની આઝાદી માટે બલિદાન આપનાર તમામ લોકોને પણ યાદ કરે છે. તેમણે બ્રિટિશ શાસનથી દેશને આઝાદી અપાવવામાં અમૂલ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે અનેક કાયદાઓ, સામાજિક દુષણો, ભેદભાવ, જાતિવાદ અને અસમાનતા સામે લડત આપી હતી.મહાત્મા ગાંધી ભારતના એક મહાન નેતા હતા, જેઓ ભારતને આઝાદ કરાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડ્યા હતા. ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાતા, મહાત્મા ગાંધીએ દાંડી કૂચ, અસહકાર ચળવળ સહિત અનેક બ્રિટિશ શાસન વિરુદ્ધની ચળવળોનું નેતૃત્વ કર્યું હતું. મહાત્મા ગાંધીજી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જાણીતા નામો પૈકી એક છે. ભારત મહાત્મા ગાંધીની પુણ્યતિથિને સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને બિરદાવવા શહીદ દિવસ તરીકે ઉજવે છે. દર વર્ષે ૩૦ જાન્યુઆરીએ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, સંરક્ષણ મંત્રી અને ત્રણેય સેનાના વડાઓ (સેના, વાયુસેના અને નૌકાદળ) દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા બહાદુર સૈનિકોના સન્માનમાં દેશભરમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવે છે.ગાંધીજીનો જન્મવિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ ૨ ઓક્ટોબર, ૧૮૬૯નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા પરંતુ એ વર્ષે પિતા કરમચંદ ગાંધીની બદલી થતાં એમનું કુટુંબ રાજકોટ આવ્યું એટલે એમણે રાજકોટમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને તેઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા. આ સમયે એમની ઉંમર બાર વર્ષની હતી. ગાંધીજીનું અવસાનભારતનાં સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ મહાત્મા ગાંધીજીની હત્યા ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજે પ્રાર્થના દરમિયાન બિરલા હાઉસમાં નાથૂરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી. તે સમયે તેઓ ૭૮ વર્ષના હતા. ગાંધીજી ભારતને ધર્મનિરપેક્ષ અને અહિંસક રાષ્ટ્ર બનાવવાનાં સમર્થક હતા, જેના માટે તેમને કેટલોય સંઘર્ષ કરવો પડયો હતો. જેમનાં નેતૃત્વમાં આઝાદીની કઠિન જીત મળી હતી, એવા રાષ્ટ્રપિતાને ગુમાવવા તે આપણા દેશ માટે સૌથી વધુ દુર્ભાગ્યનો દિવસ હતો. તેમની હત્યા પ્રાર્થના સભામાં ભાગ લેવા માટે એકત્ર થયેલ ભીડની વચ્ચે જ કરવામાં આવેલી હતી. તેમના પર થયેલ હુમલા પછી તેમને જોવા માટે આવનાર લોકોની ખૂબ જ મોટી ભીડ એકઠી થઇ હતી. ગાંધીજી એ એક મહાન વ્યક્તિત્વ હતા. જેમણે માત્ર ભારતને જ નહીં પણ દુનિયાને પણ સત્ય અને અહિંસાની ભેટ આપી એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.