મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં મહારાણી નંદકુંવરબા જનાના હોસ્પિટલના નામનું બોર્ડ લગાવવા માટે ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં મહારાણી નંદકુંવરબા જનાના હોસ્પિટલના નામનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.મહત્વનું છે કે, રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ અને રાજપૂત કરણી સેનામાં પ્રદેશ કક્ષાએ કામ કરતાં કનકસિંહ ડી. જાડેજા અને શક્તિ મેડિકલના જયુભા જાડેજાએ મોરબી સિવિલ હોસ્પિટલના સર્જન દુધરેજીયાને મળીને મહારાણી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ લગાવવા રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોરબીના રોયલ પરિવારે મોરબીમાં આ હોસ્પિટલ બનાવી હતી અને ત્યારબાદ 1947માં દેશ આઝાદ થયો ત્યારથી હોસ્પિટલનું સંચાલન સરકાર કરે છે. મોરબીની જનતાના આફતના સમયે હંમેશા રોયલ પરિવાર ઉભો રહ્યો છે ત્યારેલોકોને યાદ રહે તે માટે તેમના નામનું બોર્ડ લગાવવામાં આવે. આ રજૂઆતને ધ્યાને લઈને મહારાણી નંદકુંવરબા જનાના હોસ્પિટલ નામનું બોર્ડ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યું છે. આ બોર્ડ લગાવવાની કામગીરી માટે ન્યૂ પેલેસ તરફથી વિશ્વરાજસિંહ જાડેજા તેમજ તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ કરણી સેના તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ વારંવાર આ બોર્ડ બાબતે યાદી અપાવી હતી.