પૂર્વ મંજૂરી વિના ચાર કરતા વધુ વ્યક્તિઓના એકઠાં થવા પર પ્રતિબંધમોરબી : મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-2025 અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી મુક્ત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળના વિસ્તાર પુરતો સુલેહ - શાંતિ તથા કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ આગામી તા.21-02-2025 સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે. આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.