મીડટોન ઇનોવેટિવ સર્વિસીસ કંપનીના હાર્દિક મેંદપરાએ લોગો કર્યો હતો ડિઝાઇનમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મહાપાલિકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. જેમાં આ લોગો બનાવનારનું રૂ.21 હજારનું ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું છે.મોરબી મહાનગરપાલિકાએ તાજેતરમાં લોગો સ્પર્ધાનું એલાન કર્યું હતું. જેમાં મહાપાલિકાના લોગોની ડિઝાઇન લોકો પાસેથી મંગાવવામાં આવી હતી. આ સ્પર્ધાના વિજેતાને રૂ.21 હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ સ્પર્ધામાં 350 જેટલા લોગો આવ્યા હતા. આજે ટાઉન હોલના પટાંગણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વેળાએ મહાપાલિકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મીડટોન ઇનોવેટિવ સર્વિસીસ કંપનીના હાર્દિક મેંદપરાએ લોગો ડિઝાઇન કર્યો હતો. જેના નગરદરવાજાનું ચિત્ર રેખાંકિત કરવામાં આવ્યું છે. આ સાથે ઘડિયાળ અને ટાઇલ્સના સિમ્બોલનો પણ સમાવેશ કરાયેલો છે. આ લોગો હવે મહાપાલિકાના તમામ દસ્તાવેજમાં તથા કચેરીઓમાં ઉપયોગમાં લેવાશે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે આ લોગો બનાવનાર હાર્દિક મેંદોપરાને રૂ.21 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.