મોરબીમાં નવા બસ સ્ટેન્ડથી કન્યા છાત્રાલય વચ્ચેના રસ્તામાં એક શખ્સ સ્કૂલ અને કોલેજ જતી દીકરીઓ સામે અશ્લીલ હરક્ત કરતો હોવાની ફરિયાદ મોરબી : મોરબીમાં નવા બસ સ્ટેન્ડ નજીક શાળા કોલેજ જતી દીકરીઓ જે રસ્તેથી નીકળે છે તે રસ્તા ઉપર એક શખ્સ અશ્લીલ ચેનચાળા કરતો હોવાની ઘટના અંગે એક યુવતીએ ઇન્સટાગ્રામમાં વિડિયો મૂકીને આવા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. ઇન્સ્ટાગ્રામમાં એક યુવતીએ nishu_s_talking_ નામની આઇડીમાંથી વિડિયો અપલોડ કર્યો છે. જેમાં તેને નવા બસ સ્ટેન્ડ પાસે દીકરીઓની પજવણી થતી હોવાની ઘટના અંગે અવાજ ઉઠાવ્યો છે. જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના બસ સ્ટેન્ડથી કન્યા છાત્રાલયનો જે રોડ છે તે રોડ ઉપર એક શખ્સ જ્યારે શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે અશ્લીલ હરકતો કરતો હોય છે. આ મામલે તેને એક વર્ષ પહેલાં પણ પોલીસને રાવ કરી હતી. આ શખ્સ સામે ધારાસભ્ય કે પોલીસ કડક કાર્યવાહી કરાવે તેવી આ યુવતીએ માંગ ઉઠાવી છે. આ મામલે એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલેનો મોરબી અપડેટએ સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુપર માર્કેટમાં દીકરીઓની છેડતીનો બનાવ સામે આવ્યો હતો. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કડક કાર્યવાહી કરાવી હતી. ત્યારે આ યુવતીએ વિડીયોના માધ્યમથી ધારાસભ્ય કાંતિલાલ સમક્ષ પણ ન્યાયની માંગણી કરી છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને તાકીદે કડકમાં કડક કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.