ટ્રેલરમાંથી દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ ડીવાયએસપી કે.ટી.કામરીયાની ટીમની સફળ રેડ : 4 શખ્સો પકડાયા, એક ટ્રેલર અને એક છોટાહાથી પણ કબ્જે, હાલ મુદ્દામાલની ગણતરી ચાલુમોરબી : મોરબીના રાજપર રોડ ઉપર અત્યારે રાત્રીના સમયે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી અંદાજે 1000 પેટી જેટલો દારૂ પકડી લીધો છે. આ સાથે 4 શખ્સોને પણ પકડી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ તેમની ટિમ આજે રાત્રીના સમયે મોરબીના રાજપર રોડ ઉપર આવેલ એક ગોડાઉનમાં ત્રાટકી હતી. જ્યાં દારૂની કટિંગ થઈ રહ્યું હતું. ટ્રેલરમાં દારૂનો જથ્થો આવ્યો હતો. તેને છોટા હાથીમાં શિફ્ટ કરવામાં આવી રહ્યો હતો. આ વેળાએ જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડીને સ્થળ ઉપરથી 4 શખ્સોને પકડી લીધા છે. હાલ દારૂના મુદામાલની ગણતરી ચાલી રહી છે. અંદાજીત 1000 પેટી જેટલો દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ એક ટ્રેલર અને એક છોટાહાથી પણ કબ્જે લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સપાટો બોલાવી દીધો છે. હજુ તાજેતરમાં જ ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભરડીયા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં સંકલ્પ ગોડાઉનમાં દરોડો પાડી રૂપિયા 11,81,414ની કિંમતનો વિદેશી દારૂનો 2147 બોટલ દારૂનો જથ્થો પકડી લીધો હતો.