ઘરધણી બહારગામ ગયા હોય વહેલી સવારે ઇકો કારમાં આવીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યોમોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલ રામ ઓર શ્યામ પાર્કમાં રહેતા ફ્રુટનો વ્યવસાય કરતા વેપારીના ઘરમાં તસ્કરોએ હાથફેરો કરી રૂ. 4 લાખ રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કાનાભાઈ કાથરાણી ( ફ્રુટવાળા)એ જણાવ્યું કે તેઓ નવલખી રોડ ઉપર રામ ઓર શ્યામ પાર્કમાં રહે છે. શુક્રવારે તેઓ બહારગામ ગયા હતા. શનિવારે સવારે 9 વાગ્યે આવીને ઘરે જોયું તો તાળા તૂટેલા હતા. ઘરના કબાટના નકુચા તોડી રૂ.4 લાખની રોકડ કોઈ લઈ ગયું હતું. આ ઉપરાંત કપડા પણ વેરવિખેર પડ્યા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસની ટિમ તપાસ અર્થે ઘરે આવી પણ હતી. ઉલ્લેખનીય છે કે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરાતા તેમાં શનિવારે સવારે 4:45 વાગ્યે તસ્કરોએ આ ઘટનાને અંજામ આપી હોવાનું જણાઈ આવે છે. વધુમાં તસ્કરો ઇકો કારમાં આવ્યા હોવાનું તેમાં દેખાઈ રહ્યું છે. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.