આ કાર્યક્રમમાં સરકારી નોકરી કરતા કર્મચારી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હળવદ : હળવદ તાલુકાની જુના અમરાપર પ્રાથમિક શાળા ખાતે સિત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે જુદા-જુદા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે શાળાએ સરકારી નોકરી કરતા કર્મચારીનું સન્માન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, એક વર્ષમાં જન્મેલ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું.આ ઉજવણી દરમ્યાન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેઓ આજે સરકારી ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર કર્મચારી તરીકે સેવા આપી રહ્યા છે તેવા શિક્ષક, તલાટી કમ મંત્રી, પોલીસ, આર્મી, મેડિકલ ઓફિસર, એન્જિનિયર, રેલવે પોલીસ, જીઇબી, કલાકૅ, એસઆરપી વગેરેનું સન્માન શાળા ગૌરવ પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું. તેમજ શાળાના તેજસ્વી તારલાઓ, માધ્યમિક અને કોલેજ ના વિધાર્થીઓ જેમણે અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, તેઓને પણ પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત દીકરી વહાલનો દરિયો. સમાજમાં દીકરીઓના મહત્વને ઉજાગર કરી પ્રોત્સાહન આપવા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તાજેતરમાં જન્મેલી દીકરીઓનું સન્માન સ્મૃતિ ચિન્હ, પુષ્પગુચ્છ તેમના માતા પિતાને આપીને કરવામાં આવ્યું. આ ગૌરવપૂર્ણ સમારોહમાં શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, વિવિધ સંદેશ આપતા નાટક, પિરામિડ, સ્વાગત ગીત, વકતૃત્વ, વિવિધ નૃત્યો ઉત્સાહપૂર્વક કરી દર્શકોના મન મોહી લીધા. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન શાળાના શિક્ષકો પ્રવિણભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ, જયેશભાઈ અને જિજ્ઞાસાબેન દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વડીલો, ગ્રામજનો ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ દરમ્યાન શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે શાળાના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.