મોરબી : પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરના દ્વિતીય વર્ષપૂર્તિ મહોત્સવ નિમિત્તે સાળંગપુરમાં આજે ગુરુહરિ પ્રસન્નતા મહાયાગનું આયોજન થયું હતું. જેનો આરંભ અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા તથા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણમુનિ સ્વામી, પૂજ્ય ઘનશ્યામપ્રસાદ સ્વામી, પૂજ્ય નિર્માનજીવન સ્વામી પૂજ્ય ભક્તિસાગર સ્વામી વગેરે વરિષ્ઠ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ પ્રાસંગાનુરૂપ આશીર્વચન પાઠવ્યા હતા. આ યજ્ઞમાં ૮૫ જેટલા યજ્ઞકુંડ ધરાવતી યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફ્રિકા, અમેરિકા, લંડન વગેરે વિદેશના એમ કુલ મળીને ૬૮૦ જેટલાં યજમાન યુગલોએ લાભ લીધો હતો.વૈદિક પ્રણાલિ અનુસાર સંપન્ન થયેલા આ મહાયાગના આરંભે અક્ષરપુરુષોત્તમ મહારાજની ષોડશોપચાર વિધિ કરવામાં આવી. ત્યાર બાદ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા લિખિત સત્સંગદીક્ષા ગ્રંથના ૩૧૫ શ્લોકોનું ગાન પારંપરિક શૈલીથી કરવામાં આવ્યું હતું. આ ગાન સાથે સમૂહમાં સ્વાહાનો નાદ ભેળવીને સર્વે યજમાનોએ કુલ મળીને ૧,૦૦,૦૦૦ થી વધુ આહુતિઓ આપી હતી. સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર યજ્ઞ દરમિયાન મંદિરના પરિસરમાં સૌ વૈદિક સમયની અનુભૂતિ કરી રહ્યા. આ મહાયજ્ઞમાં પ્રજાસત્તાક દિનની સ્મૃતિ કરી સમગ્ર ભારત દેશ તથા વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આમ, આ સત્સંગદીક્ષા મહાયજ્ઞ દ્વારા ભક્તિમય ભારતીય યજ્ઞપરંપરાનું પોષણ થયું હતું.