મોરબી : મોરબીના કાર માલિકને અકસ્માત વીમો ચૂકવવા ગ્રાહક અદાલતે વીમા કંપનીને હુકમ કર્યો છે. ગ્રાહક અદાલતે વીમા કંપનીને ફટકાર લગાવીને ગ્રાહકને વ્યાજ સાથે તમામ નુકસાનીની રકમ ચૂકવવા જણાવ્યું છે.સમગ્ર કેસની વિગત જોઈએ તો, મોરબીના વતની ધવલકુમાર મનસુખભાઈ હદવાણી પોતાની કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કાર પથ્થર સાથે અથડાતા કારના ગિયરબોક્સમાં નુકસાન થયું હતું. તેઓની પાસે રોયલ સુંદરમ વીમા કંપનીનો વીમો હોય વીમા કંપની પાસે નુકસાનીનું વળતર માગ્યું હતું. જોકે વીમા કંપનીએ અકસ્માત અને થયેલ નુકસાન વચ્ચે કોઈ સંબંધ નથી તેમ કહીને વીમો આપવાની ના પાડી હતી. જેથી ધવલભાઈ હદવાણીએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે રોયલ સુંદરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને ગ્રાહકને રૂપિયા 4,86,016 અને ખર્ચના 5000 મળી કુલ 4,91,016 6% ના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.