મોરબી : મોરબીની શ્રેષ્ઠ શાળા એવોર્ડ મેળવનાર અને 63 વર્ષોથી મોરબીમાં કાર્યરત એવી શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજાતા હોય છે. તે અંતર્ગત તાજેતરમાં જ શાળાના સંચાલક મંડળ દ્વારા ફેવરિટ ટીચર્સ એવોર્ડ- 2025 આપીને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને પોતાના ફેવરિટ ટીચરને પસંદ કરવાની તક આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ પસંદ કરેલા શિક્ષકને ફેવરિટ ટીચર એવોર્ડ શાળા દ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફેવરિટ ટીચર્સને સન્માનવાનો આ કાર્યક્રમ મોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન.આર. હાઇસ્કૂલ ખાતે તારીખ 24- 1 -2025 ના રોજ 'ફેવરીટ ટીચર' એવોર્ડ કાર્યક્રમ શાળાના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતાના પ્રમુખ સ્થાને અને પૂર્વ કેન્દ્રીયમંત્રી મોહનભાઈ કુંડારીયાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણવિદ લખમણભાઈ કંજારીયા ઉપસ્થિત રહ્યા હતા. ફેવરિટ ટીચર એવોર્ડ વિજેતા શિક્ષક અજયભાઈ ધાંધલીયાની ફેવરિટ ટીચર્સ એવોર્ડ વિજેતા શિક્ષક તરીકેની કામગીરીને એવોર્ડ આપી બીરદાવવામાં આવી હતી. અજયભાઈ ધાંધલીયાને સન્માન પત્ર, શાલ તથા રૂપિયા 5001/- આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત વિધિ આચાર્ય ભરતભાઈ ગોપાણીએ કરી હતી અને આભાર દર્શન બૈજુભાઈ દવેએ કર્યું હતું. ભાવિષાબેન અપારનાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી ગણ હાજર રહ્યા હતા.