મોરબી ક્રાઇમબ્રાન્ચે ગેસનું ટેન્કર, ગેસ ભરેલા અને ખાલી બાટલા સહિત 56.40 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધોમોરબી : મોરબી જિલ્લામા પોલીસની કડક કાર્યવાહી છતાં કોલસાચોરી, ડીઝલચોરી અને ગેસચોરીનો સિલસિલો બંધ થવાનું નામ નથી લેતો ત્યારે મોરબી ક્રાઈમબ્રાન્ચે માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામના પાટિયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી ગેસ ચોરવાનું કૌભાંડ ઝડપી લઈ મૂળ રાજસ્થાનના વતની એક શખ્સને 56.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન ટેન્કર ચાલક અને બોલેરો ગાડીના ચાલક સહિત ત્રણ શખ્સ નાસી ગયા હતા.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચને મળેલી બાતમીને આધારે માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામના પાટિયા પાસે આવેલ હોટલ પરંપરાના ગ્રાઉન્ડમાં દરોડો પાડી ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસના બાટલા ભરી ગેસ ચોરવાનું કૌભાંડ ઝડપી લઈ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં પરંપરા હોટલ ખાતે રહેતા આરોપી સાજન સરીફખાન પઠાણને ઝડપી લીધો હતો.દરોડા દરમિયાન ક્રાઇમબ્રાન્ચે જે ટેન્કરમાંથી ગેસ ચોરવામાં આવતો હતો તેવા જીજે - 12 - એયું - 6771 નંબરનું ટેન્કર કિંમત રૂપિયા 51,02,196, ગેસ ભરેલા બાટલા નંગ 12 કિંમત રૂપિયા 29,280, જીજે - 16 - ઝેડ - 3230 નંબરની બોલેરો ગાડી કિંમત રૂપિયા 5 લાખ, ખાલી ગેસના બાટલા નંગ 8 કિંમત રૂપિયા 40 હજાર, એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત રૂપિયા 5000 તેમજ ઇલેક્ટ્રિક વજન કાટો અને રબબરની નળીઓ સહિત 56,40,160નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, મોરબી ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડતા ટેન્કર ચાલક, બોલેરો ચાલક તેમજ બોલેરો ચાલક સાથે રહેલો એક શખ્સ નાસી ગયો હતો. હાલમાં પોલીસે ગેસ ચોરવાના આ કૌભાંડમાં પરંપરા હોટલ ખાતે રહેતા સાજન સરીફખાન પઠાણ નામના શખ્સને ઝડપી લઈ અન્ય ત્રણ આરોપીઓને ફરાર દર્શાવી તમામ આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.