કોટાથી બારા જતી વખતે વચ્ચે અંતા ગામ નજીક ઝોકું આવી જતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ : અમુક યુવાનને ગંભીર ઇજા પહોંચી હોવાના અહેવાલમોરબી : મોરબીથી કારમાં મહાકુંભમાં જઈ રહેલા મોરબીના 6 યુવાનોને રાજસ્થાન અને યુપીની બોર્ડર પાસે અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં બધા યુવાનોને નાની-મોટી ઇજા પહોંચી હોય કોટા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. તેવું જાણવા મળી રહ્યું છે.ઇટીવી ભારતના અહેવાલ મુજબ નેશનલ હાઇવે 27 ઉપર અંતા બાયપાસ પર કારને અકસ્માત નડ્યો હતો. જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા છ લોકો ઘાયલ થયા હતા. આ છ લોકો મોરબીના રહેવાસી હતા અને પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. ડ્રાઇવરને ઝોકું આવવાના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાર હાઇવે પરથી ઉતરી ગઈ અને એક વૃક્ષ તથા થાંભલા સાથે અથડાઈ હતી માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તમામ ઘાયલોને અંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અહીં પ્રાથમિક સારવાર બાદ તેમને કોટા રિફર કરવામાં આવ્યા હતા.અંતા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મતાદીન સૈનીએ જણાવ્યું કે અકસ્માત સવારે સાત વાગ્યે થયો હતો. કોટાથી બારા જઈ રહેલી અર્ટિગા કારને અંતા બાયપાસ પર ડેલુન્ડા રોડ પાસે અકસ્માત નડ્યો હતો. બધા ઘાયલોને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી છે. કેટલાક લોકોની ઇજાઓ વધુ ગંભીર હતી. આવી સ્થિતિમાં, બધાને તાત્કાલિક કોટા રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કારના નંબર જીજે 36એજે 7211 હતા. આ યુવાનો મહાકુંભમાં જઈ રહ્યા હતા. આ યુવાનો બુધવારે મોરબીથી પ્રયાગરાજ જવા માટે નીકળ્યા હતા. ગુરુવારે આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોમાં મોરબીના રહેવાસી ધવલભાઈ, સુનિલભાઈ, પાર્થિવભાઈ પટેલ, રોનક, પવન અને મૌલિકનો સમાવેશ થાય છે. તેમના પરિવારના સભ્યોને પણ અકસ્માતની જાણ કરવામાં આવી છે.