સ્થાનિક સંગઠનોનું મામલતદારને આવેદન : કચેરી 15 કિમિ દૂર લઈ જવાશે તો લોકોને હાલાકી થશે તેવી રાવ માળિયા (મી.) : માળિયા મિયાણા મામલતદાર કચેરીને 15 કિમિ દૂર સરવડ ગામે ખસેડવાની હિલચાલ સામે ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે આ મામલે માળીયા મિયાણા શહેર સુન્ની મુસ્લિમ જમાત અને સમસ્ત મિયાણા મુસ્લિમ સમાજ મહાસંગઠન ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. આ સાથે ઝુલફિકર સંધવાણી નામના આગેવાન દ્વારા મુખ્યમંત્રીને પણ રજુઆત કરાઈ છે.સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરી ઓફીસનું પુનઃનિર્માણ કરાવવા તથા મામલતદાર કચેરી માળીયા શહેરમાં જ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અમુક સ્વાર્થી રાજકારણીઓ અને ભ્રષ્ટ આગેવાનોના અંગત સ્વાર્થ માટે મામલતદાર કચેરી શહેરથી દુર 15 કિલોમીટર અંતરે ગ્રામ્ય વિસ્તારમાં બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.જેનાથી માળિયા શહેરની વસ્તી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવાકે ખાખરેચી, ઘાંટીલા, ટીકર, મંદરકી, વેનાસર, કુંભારીયા વેજલપર, માનાબા, સુલતાનપુર, ચીખલી, વાધરવા, વિદરકા, હરીપર, ખીરઇ, ફતેપર, રાસંગપર, નવાગામ ,કાજરડા જેવા ગામડાના અસંખ્ય લોકોને હાલાકી ભોગવવી પડે તેમ છે. વધુમાં મામલતદાર કચેરીને દુરના સ્થળે લઈ જવામાં આવશે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.