હળવદના સૂર્યનગર ગામે ત્રિદિવસીય નવનિર્મિત હનુમાનજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય આયોજન હળવદ : તાલુકાના સૂર્યનગર ગામે સમસ્ત સતવારા સત્સંગ સમાજ દ્વારા આગામી તારીખ 26, 27 અને 28 જાન્યુઆરી 2025ના રોજ નવનિર્મિત શ્રી હનુમાનજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ શ્રી હનુમંત ચરિત્ર કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. લકુમ રંગાડીયા સમાજની વાડીની બાજુમાં - સૂર્યનગર મુકામે વક્તા પદે પૂજ્ય ભક્તિનંદનદાસજી સ્વામી સવારે 8:30 થી 12:00 તેમજ બપોર પછી 3 થી 6 કલાક દરમ્યાન કથાનું રસાળ શૈલીમાં વાંચન કરશે.નવનિર્મિત મંદિરમાં શ્રી હનુમાનજી મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 28/1/2025 ને મંગળવારના રોજ પ.પુ.ધ.ધુ.આચાર્ય મહારાજ કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવશે. હનુમંત ચરિત્ર કથાનું દીપ પ્રાગટ્ય તારીખ 26ના રોજ સવારે 9:00 કલાકે ધામો ધામ થી પધારેલા સંતો મહંતોના હસ્તે કરવામાં આવશે. રાજ સીતાપુર શ્રી લાલજી મહારાજની જગ્યાના મહંત પૂજ્ય અંબારામદાસજી મહારાજ પધારી ભક્તોને આશીર્વાદ પાઠવશે. કથાના વિવિધ પ્રસંગોમાં તારીખ 26ના રોજ હનુમાન જન્મોત્સવ સાંજે 5:30 કલાકે, મારુતિ યાગ પ્રારંભ સવારે 7:00 કલાકે, તારીખ 27ના રોજ સાંજે 5:00 કલાકે યજ્ઞશાળામાં હનુમાનજી મહારાજનો મહાભિષેક, ધ્વજદંડ અને કળશ પૂજન સાંજે 4:00 કલાકે તેમજ રાત્રે 8:00 કલાકે ધાન્યવાસ - નગરયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. રાત્રિના કાર્યક્રમમાં તારીખ 26ના રોજ રાસ ગરબા તેમજ તારીખ 27ના રોજ ભવ્ય સંતવાણી યોજાશે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરમાર લાલજીભાઈ પરસોતમભાઈ, પરમાર મકનભાઈ પરસોતમભાઈ તથા પરમાર નાનુભાઈ હરખાભાઈ પરિવાર છે.