ઠંડીના કારણે અડધો ઇંચ જેટલી તિરાડ પડી, રેલવેએ તાબડતોબ સમારકામ કરી રેલ વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યોમોરબી : મોરબી નજીક રેલવે ટ્રેકમાં ક્રેક પડતા ટ્રેન વ્યવહાર થોડા સમય માટે બંધ થઈ ગયો હતો. ઠંડીના કારણે ટ્રેક ઉપર અડધો ઇંચ જેટલી તિરાડ પડી હતી. જો કે રેલવેએ તાબડતોબ સમારકામ કરી રેલ વ્યવહારને પુનઃશરુ કરાવી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર નઝરબાગ રેલવે સ્ટેશનથી રફાળેશ્વર વચ્ચે 23 નંબરની ફાટક પાસે 6 નંબરના થાંભલા નજીક રેલવે ટ્રેકમાં અડધો ઇંચનો ક્રેક થઈ ગયો હતો. જે અંગે જાણ થતાં જ ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે બાદમાં રેલવે તંત્ર તુરંત જ સમરકામમાં લાગી ગયું હતું. બાદમાં રીપેરીંગ થઈ જતા ટ્રેન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ બનાવને પગલે વાંકાનેર જવાની ડેમુ ટ્રેન આજે મોડી પડી હતી. આ ટ્રેનનો સમય સવારે 8:20નો છે. જેની બદલે સવારે 9:10 તે પસાર થઈ હતી. રેલવે અધિકારી ધર્મેન્દ્રકુમારે જણાવ્યું કે ઠંડીમાં લોખંડ સકડાઈ જાય છે. જેના કારણે ક્રેક થઈ જાય છે. અહીં નાની તિરાડ પડી ગઈ હતી. સવારે 4 થી 9 સુધી કિમેન આની ઉપર વોચ રાખતા હોય છે. કિમેનના ધ્યાને આ ક્રેક આવતા તુરંત સમારકામ કરવામાં આવ્યું હતું. અને સુરક્ષાના ભાગરૂપે ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે સમારકામ થઈ ગયું હોય, હાલ ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરી દેવાયો છે.