હળવદ : તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતર એનપીકેની બેગમાં રૂપિયા 250નો ભાવ વધારો કર્યો હોય જે ખેડૂતોને પરવડે તેમ ન હોય ત્યારે આ ભાવવધારો પરત ખેંચવા ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતર એનપીકેની બેગમાં ₹250નો ભાવ વધારો કર્યો છે. જુના ભાવમાં આ રાસાયણિક ખાતર ખેડૂતો માંડ માંડ ખરીદી શકે એમ છે. તેમાં પણ આ કમરતોડ ભાવ વધારો ખેડૂતોને પોસાઈ તેમ નથી. બીજી બાજુ કૃષિ ઉપજના ભાવ દિવસેને દિવસે ઘટતા જાય છે. પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી. ત્યારે આ ભાવ વધારો ખેડૂતોને પાયમાલ કરી નાખે તેમ છે. આથી રાસાયણિક ખાતરમાં કરાયેલો આ ભાવ વધારો પરત ખેંચવા ખેડૂતોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મામલતદાર વતી આવેદન પાઠવી રજૂઆત કરી છે.