મોરબી : તાજેતરમાં મોરબી વરીયા બોર્ડિંગ ખાતે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વરિયા પ્રજાપતિ સમાજની રાજકીય ચિંતન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી, રાજકોટ, થાનગઢ, વાંકાનેર સહિત અન્ય વિસ્તારમાંથી વરીયા પ્રજાપતિ સમાજના રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં સંસ્થાના પરિચય સાથે બેઠકમાં હાજર વિવિધ રાજકીય આગેવાનોએ પોતાનો વ્યક્તિગત પરિચય અને પોતાના મંતવ્યો આપ્યા હતા.બેઠકમાં સમાજમાંથી વધુમાં વધુ લોકો રાજકારણમાં આવે સાથે પ્રજાપતિ સમાજની સ્વચ્છ અને ઈમાનદાર છબીનો લાભ સમાજ અને દેશને મળે તેમજ વિવિધ રાજકીય હોદ્દા મળે તેવા પ્રયત્નો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ સમાજની મહિલાઓ પણ રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે તે બાબતે પણ સૌએ ભાર મૂક્યો હતો.બેઠકમાં સમાજ અને રાજકારણ એક બીજા સાથે જોડાયેલા છે અને વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની ત્રણ P (પોલીસ, પોલીટિશયન, પબ્લિક સર્વન્ટ) ક્ષેત્રે સમાજનું પ્રતિનિધિત્વ વધારવા પર ભાર મૂકવાનાં અભિયાન અંતર્ગત આજે મળેલી બેઠકમાં સમાજનું વિવિધ રાજકીય પક્ષોમાં પ્રતિનિધિત્વ વધે તેના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ મિટિંગમાં અનુભવી રાજકારણીઓનો લાભ યુવા પેઢીને મળે અને રાજકીય કારકિર્દી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.રાજકારણમાં સમાજનું પ્રભુત્વ વધારવાની સાથે સમાજમાં રાજકરણ ન થાય તેની તકેદારી રાખવાની પણ આગેવાનોએ ટકોર કરી હતી. તેમજ સમાજ હિતમાં સમાજના દરેક રાજકીય આગેવાનો એક થઈ સમાજના વિકાસમાં સહયોગી બને તેના માટે સૌ હાજર આગેવાનોએ ખાતરી આપી હતી.