વોરા પરિવારના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓ માટે નવા ટોયલેટ અને સેનિટેશન યુનિટના બાંધકામનું પણ ભુમીપુજન માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામના વતની અને વર્ષોથી મુંબઈ વસતા ખાખરેચી પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે કાર્યરત એવા દાતા વિજયભાઈ વોરા, સુરેશભાઈ વોરા અને રાજેશભાઈ વોરાએ પોતાના માદરે વતન ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલમાં માતૃશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા શૈક્ષણિક હોલનું નિર્માણ કરાવ્યું હતું. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ શૈક્ષણિક હોલનું દાતા વિજયભાઈ વોરા તેમજ સુરેશભાઈ વોરા પરિવાર અને સાર્વજનિક હાઈસ્કૂલના નિવૃત સ્ટાફના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા લોકાર્પણ અને દીપ પ્રજ્વલિત કરીને હોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ શૈક્ષણિક હોલમાં સરકાર દ્વારા ICT અંતર્ગત મળેલ કોમ્પ્યુટર લેબનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. શાળામાં આ જ દાતા વોરા પરિવારના આર્થિક સહયોગ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ માટે નવા ટોયલેટ અને સેનિટેશન યુનિટના બાંધકામનું ભુમીપુજન પણ કર્યું હતું.આ ઉપરાંત ખાખરેચી ગામના વતની હાલ મોરબી રહેતા અશ્વિનભાઈ હુલાણીના આર્થિક સહયોગથી શાળાના મેદાનમાં અખંડ ભારતના શિલ્પી, એકતાના પ્રતિક અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ તકે સામાજીક અગ્રણી અને ખાખરેચી પાંજરાપોળના ટ્રસ્ટી ડો. મનુભાઈ કૈલા એ પાંજરાપોળમાં આશરે 1000 જેટલી ગાયોની સેવા થયી રહી છે. જેમાં આસપાસના ગામલોકો આજે જન્મદિવસ, પુણ્યતિથિ કે વાર તહેવારે પાંજરાપોળની મુલાકાત કરે છે અને ખુબ સારો આર્થિક સહકાર આપે છે. તેમજ ખેડૂતો ગાયો માટે ઘાસ ચારો કે અન્ય રીતે મદદરૂપ થાય છે તેવા પાંજરાપોળના તમામ દાતાઓને બિરદાવ્યા હતા.વિશેષ મોરબીના અમુભાઈ સંતોકી જે દર મહિને પોતાની આવકનો મોટો હિસ્સો પાંજરાપોળને આર્થિક સહયોગમાં દાન આપી અને દર મહિને મોટા ભાગના દિવસો એ પાંજરાપોળમાં શારીરિક હાજરી આપી તન, મન અને ધન ત્રણેયના સમન્વયથી સેવા કરી સમાજમાં અનોખો રાહ ચિંધ્યો છે . આવી સેવાકીય ઉમદા કામગીરીનો પ્રચાર અને પ્રસાર કરી આસપાસના ગામના લોકોને સહકાર આપીને ગૌમાતાની સેવામાં જોડાવા અપીલ કરી હતી.અને ગામે ગામ નંદીઘર બનાવવા સૂચન કર્યું હતું.પાંજરાપોળના ટ્રસ્ટી વિજયભાઈ વોરા એ પાંજરાપોળની સેવાકીય પ્રવુતિમા તન,મન,ધન થી સેવા કરતા ગામ લોકોને બિરદાવ્યા હતા.તેમજ ગામના અગ્રણી અને હાઈસ્કૂલના નિવૃત શિક્ષક ભુદરભાઈ હુલાણી એ પણ શાળાની ભૌતિક સુવિધામાં આર્થિક સહયોગ આપનાર દાતાઓને તેમજ પાંજરાપોળમાં ગાયોની સેવામા આર્થિક સહયોગ આપતાં અને ઘાસ ચારાની સેવામાં મદદ કરતા દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં ખાખરેચી ગામના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયા, જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા, તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ કૈલા, સામાજિક અગ્રણી અને પાંજરાપોળના ટ્રસ્ટી ડૉ. મનુભાઈ કૈલા, ખાખરેચી સેવા સહકારી મંડળીના પ્રમુખ અશોકભાઈ બાપોદરિયા, સામાજીક અગ્રણી વિકાસભાઈ થડોદા તેમજ પંચાયત સદસ્યો, હાઈસ્કૂલના નિવૃત સ્ટાફગણ, તમામ શાળાના આચાર્ય અને સ્ટાફગણ અને ગામના તેમજ આસપાસના ગામ લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણીયા એ દાતા વિજયભાઈ વોરા અને તેમના પરિવારનો તથા દાતા અશ્વિનભાઇ હુલાણીન આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શૈક્ષણિક હોલના નિર્માણથી લોકાર્પણ સુધી સતત દેખરેખ અને ધ્યાન રાખ્યું છે એવા બળદેવભાઈ મોટકા, ગુણવંતભાઈ ગરધરિયા અને દીપકભાઈ થડોદા તેમજ શાળામાં અવારનવાર મદદરૂપ બનતા લોકોને યાદ કરી તમામનો આભાર માની અને બિરદાવ્યા હતા. પાંજરાપોળમાં તન મન અને ધનથી સેવા કરતા તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાબાદ તમામ મહેમાનો અને ગામલોકો ભોજન કરીને છુટા પડ્યા હતા.