વ્યાજખોરી મામલે પોલીસને કરેલી અરજીનો ખાર રાખી હુમલો કરાયોમોરબી : મોરબીના નવાડેલા રોડ ઉપર વેપારી યુવાનને વ્યાજે લીધેલા પૈસા મામલે પાડોશમાં જ દુકાન ધરાવતા વેપારી વિરુદ્ધ પોલીસમાં અરજી કર્યા બાદ સમાધાન થઈ ગયું હતું જે બાબતનો ખાર રાખી વેપારીબંધુ અને તેના પુત્રએ ઝઘડો કરી વેપારીને લાકડાના ધોકા વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવાડેલા રોડ ઉપર ભગવતી ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા અને શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં રહેતા મિથુનભાઈ મોહનભાઇ કુંઢનાણી નામના યુવાને અગાઉ તેમની બાજુમાં જ દુકાન ધરાવતા મહાવીર ટ્રેડિંગ વાળા ચિરાગભાઈ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખર પાસેથી વ્યાજે નાણાં લીધા હોવાથી આ અંગે પોલીસમા અરજી કરી હતી. જે અરજી બાદ બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હોવા છતાં આરોપી ચિરાગ ઉર્ફે જીગો ખખ્ખર, કાનાભાઈ વિનોદભાઈ ખખ્ખર અને જયરાજ કાનાભાઈ ખખ્ખર નામના શખ્સોએ કેમ અમારા વિરુદ્ધ અરજી કરી હતી તેમ કહી ઝઘડો કરતા મિથુનભાઈએ હવે સમાધાન થઈ ગયું હોય જૂની વાત કેમ યાદ કરો છો તેમ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા વડે તેમજ ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.