મોરબી : સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર અનેક એવા સંતો-મહંતો થઈ ગયા જેણે ભજન અને ભોજનની આહલેક જગાવીને આ પવિત્ર ભૂમિ પર અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. આવા જ એક સંત એટલે બજરંગદાસ બાપા.. બગદાણાની પવિત્ર ભૂમિ પર પોતાની સેવાની ધુણી ધખાવી ઈતિહાસમાં અમર થઈ જનાર બજરંગદાસ બાપાની આજે પૂણ્યતિથિ છે. તો આવો જાણીએ બજરંગદાસ બાપા સાથે જોડાયેલી જાણી-અજાણી વાતોબગદાણા ધામ કે જ્યાં રોજના માટે હજારો-લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે અને 24 કલાક માટે હરિહરનો નાદ શરૂ હોય છે. બગદાણા ધામ બજરંગદાસ બાપુની પાવનકારી જગ્યા આવેલી છે. આ જગ્યામાં ભોજન અને ભોજન અવિરતપણે ચાલુ હોય છે. બગદાણા ધામ જગ્યા લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં રોજના માટે હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે.______________________________બજરંગદાસ બાપાનો જન્મબજરંગદાસ બાપાનો જન્મ વર્ષ 1906માં થયો હતો. બજરંગદાસ બાપાના ઇતિહાસ વિશે સૌ કોઈ લોકો જાણકાર હોય છે પરંતુ ખૂબ જ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે, બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ કઈ જગ્યાએ આવેલું છે. બગદાણા એ બજરંગદાસ બાપાની કર્મભૂમિ છે અને તેઓ લાખણકા રહેતા હતા. બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગરથી ત્રણ થી ચાર કિલોમીટરના અંતરે આવેલા અધેવાડા જ્યાં ઝાંઝરીયા હનુમાનજીની પૌરાણિક જગ્યા આવેલી છે ત્યાં બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ આવેલું છે. બજરંગદાસ બાપાના માતાનું નામ શિવકુવરબા અને તેમના પિતાનું નામ હરિદાસજી હતું. પિતા હરિદાસજી જે વલભીપુરના લાખણકા ગામના વતની હતા.કહેવાય છે કે, બજરંગદાસ બાપાના માતા તેમના પિયર માલપર આવી રહ્યા હતા અને આ દરમિયાન રોડ રસ્તા કાચા હતા અને વાહનોની સગવડ પણ ન હતી. માતાને પ્રસુતિ પીડા થતા ઝાંઝરીયા હનુમાનજી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. પરંતુ આ બાબતે ખૂબ જ ઓછા લોકોને માહિતી છે.ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામ જ્યાં શ્રી ઝાંઝરીયા હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિર પણ ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે. મંદિર અંદાજિત 700-800 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. હાલ આ જગ્યા પ.પૂ. શ્રી બજરંગદાસ બાપાના જન્મ સ્થળ શ્રી ઝાંઝરીયા હનુમાનજી મંદિર તરીકે ઓળખાય છે. આજે પણ આ મંદિર નજીક જગ્યાએ બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો તે ઓરડો પણ છે અને મકાન પણ છે.______________________________બજરંગદાસ બાપાની મહત્વની તવારિખ-બજરંગદાસ બાપા 1941માં બગદાણા આવ્યા-1951માં આશ્રમની સ્થાપના કરી-1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું-1960માં ભુદાન હવન કર્યો-1962માં આશ્રમની હરાજી કરીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી-1965માં ફરીથી આશ્રમની હરાજી કરીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી-1971માં પણ આશ્રમની હરાજી કરીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી______________________________આ રીતે મળ્યું બજરંગદાસ નામ રામાનંદી સાધુ હોવાના કારણે તેમના માતા- પિતાએ તેમનું નામ ભક્તિરામ રાખ્યું હતું. નાનપણથી જ ભક્તિરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં. ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતાં. એક સવારે ભક્તિરામ મોડે સુધી સુઈ રહ્યાં તો પિતા હરિદાસ અને માતા શીવકુંવરબાએ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરુર ભક્તિરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ. ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા હતાં અને 11 વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં. પરમતત્વ અને યોગસિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણાં આપવા ગયાં. ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રે. ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું “બજરંગી” અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુ:ખીયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો.______________________________બજરંગદાસ બાપાના પરચા બાપાના કેટલાક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી. ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતીમાં હાથથી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડારમાંથી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલું. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપા એ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી.______________________________