જીવન ચરિત્રો, વાર્તા સંગ્રહ, કાવ્ય, શબ્દકોશ જેવા 1500 પુસ્તકોનું પ્રદર્શન ગોઠવાયું : પુસ્તકાલયની વ્યવસ્થા માટે સમિતિ પણ બનાવાઈમોરબી : મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં એક અનોખા બાળપુસ્તકાલયનું આયોજન કરવામાં આવ્યું છે. શાળામાં બાળકોની કલ્પનાશક્તિ ખીલે અને બાળકો મોબાઈલથી દૂર થઇ અને પુસ્તકો તરફ વળે એ માટે શાળામાં રહેલા 1500 પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ પુસ્તકો હવે કાયમ માટે બાળકોને જ્યારે જોઈ ત્યારે વાંચવા મળશે.અહીંથી બાળકો પોતાનું મનપસંદ પુસ્તક વાંચવા માટે લઇ જાય અને બાદમાં તે પરત કરી અને બીજું પુસ્તક લઇ જઈ શકે એવુ આયોજન કરવામાં આવ્યું છે. આ બાળપુસ્તકાલયમાં બાળવિશ્વકોષના પુસ્તકોને રંગોળીના આકારે ગોઠવવામાં આવ્યા છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બાળ વિશ્વકોશ બાળકો માટે ગુગલ સમાન સાબિત થાય છે. આ ઉપરાંત પુસ્તકાલય માટે આખી સમિતિ બનાવાઈ છે. જેમાં મંત્રી, મહામંત્રી અને સભ્યો દ્વારા બાળપુસ્તકાલયનું સંચાલન કરવામાં આવે છે. અહીંયા 1500 પુસ્તકોમાં દરેક પ્રકારના વિવિધ પુસ્તકો જેમાં જીવન ચરિત્રો, વાર્તા સંગ્રહ, કાવ્ય, શબ્દકોશ જેવા અનેક પુસ્તકો છે. આ બાળપુસ્તકાલયના ઉદ્ઘાટન પ્રસંગે શિરિષભાઈ રાંકજા (સીઆરસી કો ઓર્ડિનેટર) , નરેન્દ્રભાઈ કાલરિયા(સંયોજક, શિક્ષણકુંજ), જીતેન્દ્રભાઈ ગોસ્વામી ( શિક્ષક, શક્તિપરા પ્રા શાળા વાંકાનેર ) ઉપસ્થિત રહ્યાં હતા. આમ દરેક સરકારી શાળામાં પુસ્તકો તો હોય જ છે પણ તેનો યોગ્ય ઉપયોગ કરી પ્રાયોગિક શાળા અન્ય શાળા માટે પ્રેરણાદાયી બની છે.શાળાના આચાર્ય મનનભાઈ બુદ્ધદેવે જણાવ્યું હતું કે અબ્રાહમ લિંકને તેમના બાળકના શિક્ષકને પત્ર લખ્યો હતો કે તમે મારાં બાળકોને આ પુસ્તકની અદ્ભૂત દુનિયાના દર્શન કરાવજો એ પત્ર એક શિક્ષક તરીકે મેં પણ વાંચ્યો હતો અને આ પ્રદર્શનનું આયોજન કર્યું છે.