મોરબી : મોરબી તાલુકાની રાજપર તાલુકા શાળામાં ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગ તરંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ દિપ પ્રાગટ્ય કર્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોનું અભિવાદન રાજપર તાલુકા શાળાના આચાર્ય દ્વારા કરાયું હતું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રારંભિક પ્રવચન કરીને શાળાના બાળકોને અનેરો ઉત્સાહમાં લાવી દીધા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નાયબ ડીપીએ તથા મોરબી ટીપીઓ ડી.આર. ગરચર, તાલુકા પંચાયત મોરબીના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પંચાયતના સભ્યો નયનભાઈ અઘારા, કેતનભાઈ મારવણીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શૈક્ષિક મહાસંઘ મોરબીના પ્રમુખ દિનેશભાઈ વડસોલા, મુખ્ય શિક્ષક સંઘ મોરબીના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, રાજપર ગામના સરપંચ ભરતભાઈ મારવણીયા, ઉપસરપંચ મનહરભાઈ અઘારા, માજી સરપંચ કરમશીભાઈ મારવણીયા, રાજપર તાલુકા શાળાના એસએમસી અધ્ય મહેશભાઈ બાવરવા, એસએમસીના સભ્યો, નવજીવન ગ્રુપના સભ્યો, રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન-લીલાલહેરના સભ્યો, ગ્રામજનો, વાલીઓ તથા કાયમી શાળામાં ઉપયોગી સ્વયંસેવકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજપર તાલુકા શાળાના આચાર્ય તથા શિકોએ બાળકોમાં રહેલી શક્તિઓને બહાર કાઢવા અને બાળકોની શક્તિઓને ખીલવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. શાળાના બાળકોએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં નૃત્યો, ઐતિહાસિક નાટકો, એકપાત્રિય અભિનય, કોમેડી ડ્રામા, યોગિક ક્રિયાઓ, ગીત-સંગીત વેગેરેની ભવ્યાતિભવ્ય રજૂઆત કરીને મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સૌએ બાળકોના ઉત્સાહનો વધાવ્યો હતો. કાર્યક્રમમાં રાજપર ગામના દાતા પંકજભાઈ નરભેરામભાઈ વડગાસિયાએ ઉપસ્થિત સૌ કોઈને નાસ્તો કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે આચાર્ય દ્વારા આભાર વિધિ કરાઈ હતી.