100થી લઈ 1000 કિલો ઊંધિયું તૈયાર કરીને સ્ટોલ નખાયા હતા : મોટાભાગના સ્ટોલમાં 12 વાગ્યા પહેલા જ ઊંધિયું પૂરું થઈ ગયુંમોરબી : મોરબીમાં મકરસંક્રાંતિએ અંદાજીત 25000 કિલોથી પણ વધુ ઊંધિયું ખવાઈ ગયું છે. ઠેક-ઠેકાણે 50થી પણ વધુ ઊંધિયાના સ્ટોલ શરૂ થયા હતા. જેમાં 100થી લઈ 1000 કિલો ઊંધિયું તૈયાર કરવામાં આવ્યું હતું. ઊંધિયાનું વેચાણ કરનાર મોટાભાગના સ્ટોલમાં બપોરે 12 વાગ્યા પહેલા જ ઊંધિયું ખાલી થઈ ગયું હતું.આ અંગે શ્રી રામ કેટરર્સવાળા ધ્રુવીનભાઈ રાદડિયાએ જણાવ્યું કે તેઓએ મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે સ્ટોલ તૈયાર કર્યો હતો. તેઓએ માટલામાં ઓર્ગેનિક શાકભાજીનો ભઠ્ઠો કરી તેનું ઊંધિયું તૈયાર કર્યું હતું. 1000 કિલો જેટલું ઊંધિયું તેઓએ બનાવ્યું હતું. આ તમામ ઊંધિયું વેચાય ગયું હતું. લોકોની ભીડ જોઈને હવે આવતી મકરસંક્રાંતિએ 4 સ્થળોએ સ્ટોલ શરૂ કરીશું. ઉપરાંત લોકોને ઓર્ગેનિક આઈટમ ખૂબ પસંદ પડી હોય, પ્રસંગોમાં પણ આવી આઇટમો પીરસતા રહીશું. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા વાળા વિનિતભાઈ ડાંગરે જણાવ્યું કે રવાપર રોડ ઉપર તેઓનો સ્ટોલ હતો. જેમાં 120 કિલો ઊંધિયું, 70 કિલો વરાળીયું અને 50 કિલો જેટલા તુવેર ઠોઠાનું વેચાણ થયું છે. ઊંધિયું 11 વાગ્યામાં જ પૂરું થઈ ગયું હતું. અનેક ગ્રાહકોને પરત જવું પડ્યું હતું. હવે આગામી વર્ષે વધુ ઊંધિયું બનાવીશું.આરાધના ગ્રુપ (મયુર ભજિયા)વાળા અર્જુનભાઈએ જણાવ્યું કે તેઓએ 4 જગ્યાએથી ઊંધિયાનું વેચાણ કર્યું હતું. 450 કિલો જેટલું ઊંધિયું તૈયાર કર્યું હતું. 12 વાગ્યા આસપાસ જ બધું ઊંધિયું વેચાય ગયું હતું. લોકોની ભીડ જોતા હવે આવતા વર્ષે વધારે ઊંધિયું બનાવવું પડશે તેવું લાગી રહ્યું છે.રધિકા રેસ્ટોરેન્ટવાળા રાકેશભાઈએ જણાવ્યું કે સ્ટોલ માટે તેઓએ 325 કિલો જેટલું ઊંધિયું તૈયાર કર્યું હતું. આ બધું જ ઊંધિયું પૂરું થઈ ગયું હતું. આ ઉપરાંત 50 કિલોથી વધુ ફ્રુટ સલાડ પણ વેચાયુ હતું. આ ઉપરાંત રેસ્ટોરેન્ટના પણ ગુજરાતી થાળી જમવા માટે લોકોની ખૂબ ભીડ રહી હતી.