મોરબી : મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં અંદાજે 300થી વધારે વિદ્યાર્થીઓ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે એકબીજાને મળ્યા હતા.મોરબીના ખ્યાતનામ શિક્ષણવિદ અને KG To PG ના વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પ્રચંડ લોકપ્રિયતા, લાગણી અને પ્રેમ ધરાવતા પી. ડી. કાંજીયા કે જેમની કરિયરની શરૂઆત કરી ત્યારે 1992 થી 1995 ત્રણ વર્ષ સુધી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ગૃહપતિ તરીકે સેવા આપી હતી. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયા સાથે એ વખતના વિદ્યાર્થીઓ આજે 32 વર્ષે પણ એમની સાથે લાગણીથી જોડાયેલા છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમની લાગણી અને મળવાની ઘેલછા અને એમની સાથે સાથે એમને ભણાવતા મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી માધ્યમિક વિદ્યાલયના શિક્ષકોને પણ આમંત્રિત કર્યા હતા. આજે 32 વર્ષે પણ સ્વાર્થ વિના દૂર દૂરથી વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાય અને રજાના દિવસ રવિવારે હોશભેર જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગુરુજનો અને પી. ડી.કાંજીયાનું ભૂતપૂર્વ સૌ વિદ્યાર્થીઓએ સાલ ઓઢાડી પોતાની કૃતજ્ઞતા વ્યકત કરી હતી. સૌએ પોતાની જૂની યાદો વાગોળી હતી.આ તકે પાટીદાર સમાજના સ્વ. લક્ષ્મણબવાપા, સ્વ. જયરાજબાપા, સ્વ. કાનજીબાપા, સ્વ. ડો. આંબાલાલબાપા, સ્વ. ઓ. આર.પટેલ, સ્વ. જીવરાજબાપા વિરપરિયા અને સ્વર્ગસ્થ શિક્ષક સદાતીયાને શ્રદ્ધા સુમન અર્પી અને એની યાદો તાજી કરી હતી. આ કાર્યક્રમમાં તે વખતના વિદ્યાર્થીઓના ગૃહપતિ પ્રાણજીવનભાઈ ઉર્ફ પી.ડી. કાંજીયા અને શિક્ષકોમાં સાણંદિયા, અંદરપા, હળવદિયા, રાંકજા પણ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક.પા.વી.ભુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષક હર્ષદભાઈ મારવણીયાએ કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનવવા અશોક સદાતિયા, પ્રફુલ ચંદ્રાલા, દેવેન્દ્ર ભોજાણી, રાજેશ ફુલતારીયા અને રોહિત અગોલાએ જહેમત ઉઠાવી હતી.