દેશના પતંગ માર્કેટમાં ગુજરાતનો ૬૫ ટકા હિસ્સો : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બન્યો ગુજરાતની વૈશ્વિક ઓળખમોરબી : આપણો દેશ ઉત્સવોનો દેશ છે અને ભારતમાં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણ એ સૂર્યની ઉપાસના કરવાનો અવસર છે. એટલું જ નહિ પ્રકૃતિ અને પ્રગતિનો સંદેશ પણ આ પર્વ આપે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિ ઉત્સાહ, આનંદ સાથે ઉજવવામાં આવે છે. પતંગ મહોત્સવ ગુજરાતની 'સાંસ્કૃતિક શક્તિ' દર્શાવે છે. ૧૪ જાન્યુઆરીએ રંગબેરંગી પતંગો સાથેનું શાંત વાદળી આકાશ સવારથી સાંજ વિવિધ રંગો, આકાર અને કદના પતંગો સાથે ભવ્ય લાગે છે.મકરસંક્રાંતિ ઉત્તરીય ગોળાર્ધમાં સૂર્યના પુનરાગમન સાથે લાંબા શિયાળાના અંતને ચિહ્નિત કરે છે. હિંદુ ખગોળશાસ્ત્ર અનુસાર આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી, તેને ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિની ઉજવણી સાથે જોડાયેલું વિશેષ મહત્વ પતંગ ઉડાવવાનું છે. ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મ અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવુ જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખુબ કાળજી રાખવી જોઈએ.______________________________આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવગુજરાત ટુરિઝમ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન પણ કરે છે અને ઘણા રાજ્યો અને દેશોના જાણીતા પતંગવીરો તેના સાક્ષી બને છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિના તહેવાર સાથે સુસંગત થવા માટે અમદાવાદ સહિતના શહેરો ખાતે યોજવામાં આવે છે. વિશ્વભરના લોકો વિવિધ ડિઝાઇનના તેમના વિચિત્ર પતંગો પ્રદર્શિત કરે છે. રંગબેરંગી પતંગો, વિશાળ કદ અને વૈવિધ્યસભર ડિઝાઈન અને આકારો સાથેનું આકાશ જોવાનો આ એક અદ્ભુત લ્હાવો છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના આ તહેવારને 'આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ' તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે. એટલું જ નહિ, પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથોસાથ પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમ, આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે. દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ ૧૧ જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે.______________________________દેશના પતંગ માર્કેટમાં ગુજરાતનો ૬૫ ટકા હિસ્સોસમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી થાય છે પરંતુ અમદાવાદ, સુરત, નડિયાદ અને વડોદરામાં ઉત્સાહ વધારે જોવા મળે છે. સુરત ખાસ કરીને મજબૂત દોરા માટે જાણીતું છે, દોરાને ધાર આપવા રો થ્રેડ પર કાચનો પાવડર લગાવીને બનાવવામાં આવે છે.ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે.______________________________