વ્યસનમુક્તિ, સર્વ ધર્મ સમભાવ અને નૈતિકતાનો સંદેશ ફેલાવવા અહિંસા યાત્રામોરબી : તેરાપંથ જૈનાચાર્ય મહાશ્રમણજી પ્રથમ વખત મોરબીના આંગણે પધાર્યા છે. આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે અહિંસા યાત્રા લઈને આજે મોરબી પધાર્યા છે. તેમની સાથે 90થી વધારે સંત અને સાધવીઓ પણ પધાર્યા છે. ત્યારે જૈનાચાર્ય મહાશ્રમણજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સાથે જ મોરબીમાં નોબલ સ્કૂલ તથા સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે તેમના પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે, તેરાપંથના 11માં જૈનાચાર્ય મહાશ્રમણજી હાલ ગુજરાતની યાત્રા કરી રહ્યા છે. તેઓ ભુજ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આજે 13 જાન્યુઆરીના રોજ તેઓ પોતાની અહિંસા યાત્રા લઈને મોરબીના આંગણે પહોંચ્યા છે. આજે અને કાલે 14 જાન્યુઆરીના રોજ તેઓ મોરબીમાં રોકાણ કરશે. તેમની આ યાત્રાના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. જેમાં તમામ ધર્મ, જાતિના લોકોમાં સદભાવ પેદા થાય, સૌ લોકો ઈમાનદારી અને નૈતિકતાનું પાલન કરે અને ત્રીજુ સૌ લોકો વ્યસનમુક્ત બને. આમ તેઓ પોતાની યાત્રા દરમિયાન આ ત્રણ સંદેશનો પ્રસાર-પ્રચાર કરી રહ્યા છે. તેઓ આ ઉદ્દેશ સાથે અત્યાર સુધી 60 હજાર કિલોમીટરની યાત્રા કરી ચુક્યા છે. તેમણે ભારત સહિત નેપાળ અને ભુતાન દેશની પણ યાત્રા કરી છે. હાલ તેઓ મોરબી પહોંચ્યા છે. તેમની સાથે 40 સંત અને 50 સાધ્વીઓ પણ મોરબીથી ભુજ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેઓ આવતીકાલે તારીખ 14 જાન્યુઆરીએ પણ મોરબીમાં નોબેલ સ્કૂલ તથા સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાણ કરવાના છે ત્યારે તેના પ્રવચન, માર્ગદર્શનનો લાભ લેવા સૌરાષ્ટ્ર તેરાપંથ જૈન સમાજ દ્વારા સૌ જાતિ-ધર્મના લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.