આમ આદમી પાર્ટીની આગેવાનીમાં સ્થાનિકોએ નબળા કામ સામે નોંધાવ્યો વિરોધ : હવે જો યોગ્ય કાર્યવાહી નહિ થાય તો મહાપાલિકા કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાની ચીમકીમોરબી : મોરબીના નવા બની રહેલા પંચાસર રોડમાં ગાબડા પડતા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં સ્થાનિક લોકોએ આજે સતત ચોથી વખત રસ્તા રોકો આંદોલન કર્યું છે. હવે જો યોગ્ય કાર્યવાહી નહિ થાય તો મહાપાલિકા કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું કે રૂ.3.22 કરોડના ખર્ચે પંચાસર રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. અહીં રોડ ઉપર ગાબડા પડી ગયા છે. ડિવાઈડર ઊંચા કરવાને બદલે રોડની બરાબરની ઉંચાઈએ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત ડિવાઈડરની કામગીરી પણ નબળી કરવામાં આવી છે. અગાઉ ત્રણ વખત આ કામ અટકાવીને વિરોધ કરવામાં આવ્યો છે. અસંખ્યવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે ધારાસભ્ય કહેતા હતા કે નબળી કામગીરી થાય તો અમને કહેજો. અમે નબળી કામગીરી બતાવવા ધારાસભ્યને ચારેક વખત અહીં લઈ આવ્યા હતા. પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આ અંગે આમ આદમી પાર્ટીના અગ્રણી પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું કે આજે સ્થાનિકોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે. જો આને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો મહાપાલિકા કચેરીનો ઘેરાવ અને કચેરીને તાળાબંધી કરવામાં આવશે.