જે પાટીદારોને વ્યાજચક્રમાં ફસાવીને પ્લોટ, મકાન સહિતની મિલકતો પડાવી લેવાય છે, તેના સોદાખત કે દસ્તાવેજો રદ કરવામાં આવે તે બાબતે કલેકટરને મળીશું : મનોજ પનારામોરબી : મોરબીમાં પાટીદાર સમાજના પરિવારોને ધાકધમકી આપવી, વ્યાજખોરીમાં લૂંટવા સહિતના બનાવો સામે બાયો ચડાવનાર પાટીદાર સેવા સંઘ દ્વારા મફત કાનૂની મદદ માટે ન્યાય કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો 30 જેટલા લોકોએ લાભ લીધો હતો. મોરબી પાટીદાર યુવા સેવા સંઘના મનોજભાઇ પનારાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં રહેતા કોઈપણ પાટીદારોની જમીન, મકાન, મિલકતો કે પ્લોટ કોઈ વ્યાજખોરોએ ધાકધમકી આપીને પચાવી પાડ્યા હોય અથવા પરાણે સોદાખત કે દસ્તાવેજ કરાવી લીધા હોય એવા પીડિત પાટીદારોને ન્યાય માટે પાટીદાર યુવા સેવા સંઘના પ્રયત્નથી મફત કાનૂની મદદ આપવા માટે ગુજરાત હાઈકોર્ટના વકીલ અશ્વિનભાઈ પટેલ મોરબી મુકામે મોરબી જિલ્લા કડવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિની ઓફિસે આવ્યા હતા. 30 જેટલા લોકોએ અહીં આવીને કાનૂની સલાહ મેળવી હતી. વધુમાં મનોજભાઇ પનારાએ જણાવ્યું કે મને માહિતી મળી છે કે અમરેલીમાં એક ફાયનાન્સ કંપનીએ 100થી વધુ ખેડૂતોને ફસાવી તેની મિલકતોના સોદાખત, દસ્તાવેજ અને લખાણ કરાવી લીધા હતા. આ મામલો નામદાર કોર્ટ સમક્ષ પણ પહોંચ્યો હતો. ત્યારે કલેકટરે સોદાખત અને દસ્તાવેજ રદ કરાવ્યા હતા. આવી રીતે મોરબી જિલ્લા કલેકટરને પણ અમે આગામી દિવસોમાં મળીશું અને મોરબીમાં પાટીદાર સમાજના લોકોને વ્યાજચક્રમાં ફસાવી જે મિલકતો બીજાના નામે કરવામાં આવી છે તેના દસ્તાવેજ અને સોદાખત રદ કરવા અંગે ચર્ચા કરીશું.