મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈમોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને મોરબી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ, સ્ટેનો ક્લાર્ક, બેલીફ અને પટ્ટાવાળાની નિમણૂક કરવા માગ કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી ઔદ્યોગિક શહેર હોય ગ્રાહક અદાલતના ઘણા બધા કેસો આવે છે. પરંતુ મોરબીમાં મહિનામાં એક જ વખત કોર્ટ ખુલે છે. ન્યાય મૂર્તિ પણ રાજકોટથી આવે છે. જ્યારે સભ્ય, ક્લાર્ક અને પટ્ટાવાળા જામનગરથી આવે છે. જેના કારણે કાર્યવાહીમાં ઘણી બધી તકલીફ પડે છે. અરજદારોને લાંબા સમય સુધી ન્યાય મેળવવા માટે રાહ જોવી પડે છે. તેથી મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ અને સ્ટાફની નિમણૂક કરવા અને અદાલત નિયમિત ધોરણે ચાલે તેવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.