ડીઆરએમ ઓફિસના ધક્કા નહિ ખાવા પડે : ઓનલાઈન અરજીની સુવિધા રાજકોટ : ટ્રેનોમાં મુસાફરી કરતા દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટ પર છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગજનોને ડીઆરએમ ઓફિસમાં જવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગજનો ઘરે બેઠા પાસ મેળવી શકે તે માટે દિવ્યાંગજન કાર્ડ એપ શરૂ કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડશે, મુખ્યાલય (ડીઆરએમ ઓફિસ) આવવાની જરૂર નથી. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ માહિતી આપી હતી કે પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં દિવ્યાંગો માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે.ટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગો માટે આ રાહતના સમાચાર છે. ભારતીય રેલ્વેએ દિવ્યાંગો માટે કન્સેશન સર્ટિફિકેટ બનાવવા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે, જે દિવ્યાંગોને કન્સેશન સર્ટિફિકેટ મેળવવામાં મદદરૂપ થશે. આ કાર્ડ મેળવવા માટે, એપમાં જરૂરી વિગતો ભરવાની રહેશે, જેમાં આઈડી પ્રૂફ, મોબાઈલ સાથે લિંક કરેલ આધાર કાર્ડ, સિવિલ સર્જન તરફથી અપંગતા પ્રમાણપત્ર, રહેણાંક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ રેલ્વે કન્સેશન પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશન કાર્ડ કાર્ડની એક નકલ સબમિટ કરવાની રહેશે. ડીઆરએમ ઓફિસના અધિકારીઓ ફોર્મનું નિરીક્ષણ કરશે. દિવ્યાંગજન એપનો ઉપયોગ કરીને, વ્યક્તિ પોતાના મોબાઇલ પર ઇ-દિવ્યાંગજન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પોર્ટલની મદદથી, દિવ્યાંગ લોકો તેમના ઘરેથી કન્સેશનલ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકશે. હવે તેમને આ કામ માટે રેલવેના ડીઆરએમ ઓફિસ કાર્યાલયમાં આવવાની જરૂર રહેશે નહીં.દિવ્યાંગજનોએ સૌપ્રથમ રેલવે વેબસાઇટ divyangjanid.indianrail.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, રેલ્વે ટિકિટ રાહત નું પ્રમાણપત્ર ફક્ત ઓનલાઈન જ જારી કરશે. દિવ્યાંગ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવા માટે મેડિકલ કાર્ડની નકલ પણ અપલોડ કરવાની રહેશે. આ સિસ્ટમને સરળ બનાવવા માટે, દિવ્યાંગ લોકો ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ www.swavlambancard.gov.in પર અરજી કરીને પણ તેમનું મેડિકલ કાર્ડ મેળવી શકે છે. અરજદારે તમામ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે. કન્સેશન સર્ટિફિકેટ પર ઉલ્લેખિત ડૉક્ટરનું નામ, નોંધણી નંબર અને દિવ્યાંગતાની પ્રકૃતિ પણ લખવી જરૂરી રહેશે.રેલ્વે કન્સેશન કાર્ડની સુવિધા મેળવતા તમામ દિવ્યાંગ વ્યક્તિઓને જાણ કરવામાં આવે છે કે જેમના કાર્ડ પહેલાથી જ બની ગયા છે તેમણે અરજી કરવાની જરૂર નથી. ફક્ત તે જ દિવ્યાંગ વ્યક્તિઓએ અરજી કરવી જેઓ નવું કાર્ડ બનાવવા માંગે છે અથવા જેમના કાર્ડની મુદત પૂરી થઈ ગઈ છે. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે દિવ્યાંગજનો ને રેલ્વે કન્સેશન કાર્ડ મેળવવા માટે આ ઓનલાઈન પોર્ટલ સુવિધાનો લાભ લેવા માટે જણાવાયું છે.