બેગલેસ ડે નિમિત્તે બાળકોએ વી.કે. જાદુગરનો શો માણ્યોમોરબી : વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને ફક્ત ચોક અને ટોક દ્વારા જ શિક્ષણ નથી આપવાનું પણ બાળકોની પંચેન્દ્રિયનો વિકાસ થાય એ માટે વિદ્યાર્થીઓને અનુભવજન્ય એજ્યુકેશન આપવાનું છે. એ માટે શૈક્ષણિક વર્ષ દરમ્યાન ટેન બેગલેસ ડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં વર્ગ ખંડની બહારની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે. આ અન્વયે માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં દેશ વિદેશમાં જેમને જાદુના અનેક શો કર્યા છે એ વી.કે. જાદુગરના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાદુગર દ્વારા સાદા બમ્બુમાંથી ફૂલ કાઢવા, બાવન પત્તાની જુદી જુદી ટ્રિક બતાવી ખેલ બતાવ્યા, પેટીમાંથી સુશોભન રીબીન કાઢવી, કરન્સી નોટના સિરિયલ નંબરના આધારે પેટીમાંથી નંબર કાઢવા, જુદી જુદી રિંગને એકબીજી સાથે જોડવી, છૂટી પાડવી, ગળામાંથી તલવાર પસાર કરવી, પેટીમાંથી રૂમાલમાંથી જાદુના ખેલ બતાવ્યા હતા. વી.કે.જાદુગરે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું જ્ઞાન ગમત સાથે પૂરું પાડ્યું હતું. બંને શાળાના વિદ્યાર્થીઓએ જાદુના ખેલ નિહાળી ખુબજ મજા માણી હતી.