૯મી જાન્યુઆરી - પ્રવાસી ભારતીય દિવસ - આ વર્ષની થીમ ‘‘વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન.’’આ તારીખે મહાત્મા ગાંધી વર્ષ ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતામોરબી : ભારતમાં ૯ જાન્યુઆરી ‘‘પ્રવાસી ભારતીય દિવસ’’ તરીકે મનાવવામાં આવે છે. પ્રવાસી ભારતીયોના દેશના વિકાસમાં યોગદાનને બિરદાવવા કેન્દ્ર સરકાર દ્વારા દર બે વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૮મું ‘પ્રવાસી ભારતીય દિવસ સંમેલન’ ઓડિશાના ભુવનેશ્વર ખાતે તા. ૮ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેની થીમ છે, ‘‘વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન.’’ પ્રવાસી ભારતીયો દેશના વિકાસ માટે યોગદાન આપતા હોય છે. આથી તેમના યોગદાનને બિરદાવવા ભારતીય ડાયસ્પોરા પરની એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ જાન્યુઆરી ૨૦૦૨માં ભલામણ કરી હતી કે, કેન્દ્ર સરકારે વિદેશી ભારતીયોના તેમના મૂળ સ્થાન અને વર્તમાન સ્થળ સાથેના જોડાણો અને સંબંધોને મજબૂત કરવા જોઈએ. આ સમિતિએ ભલામણ કરી હતી કે, ભારત અને તેના વિદેશી ભારતીય સમુદાય વચ્ચે નેટવર્કિંગ માટે ફોકલ પોઇન્ટ તરીકે ઊભરી આવે તે માટે અને ભારતીય ડાયસ્પોરાની કહાનીઓને યાદ કરવા માટે યોગ્ય સ્થળ તરીકે પ્રવાસી ભારતીય ભવનની સ્થાપના કરવી જોઈએ. સરકાર દ્વારા કમ્યુનિટીને માન્યતા આપવા માટે એક દિવસની ઉજવણીનો વિચાર આમાંથી આવ્યો હતો, અને ૨૦૦૩માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. પ્રવાસી ભારતીય દિવસ તરીકે ૯ જાન્યુઆરીની પસંદગી કરવા પાછળ કારણ એ હતું કે, આ તારીખે મહાત્મા ગાંધી વર્ષ ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી દર બે વર્ષે કરવામાં આવે છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ૧૭ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી મધ્યપ્રદેશના ઈન્દોરમાં તા. ૮થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન યોજાઈ હતી. જેની થીમ ‘‘ડાયાસ્પોરા: અમૃત કાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદાર’’ હતી. આ વર્ષે ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાનારા ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન ૯મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે. ____________________________વડાપ્રધાનશ્રી આ નિમિત્તે ચાર પ્રદર્શનોનું ઉદ્ઘાટન પણ કરશે. જેમાં..____________________________(૧) વિશ્વરૂપ રામ - રામાયણનો સાર્વત્રિક વારસોઆ પ્રદર્શન પરંપરાગત અને અદ્યતન ટેકનોલોજીના સંયોજનથી રામાયણના સમયાતીત મહાકાવ્યને રજૂ કરશે.____________________________(૨) ટેક્નોલોજી અને વિકસીત ભારત માટે ડાયસ્પોરાનું યોગદાનઆ પ્રદર્શન વિશ્વમાં ટેકનોલોજીના વિકાસમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનને રજૂ કરશે.____________________________(૩) માંડવીથી મસ્કતઆ પ્રદર્શન ગુજરાતના માંડવીથી મસ્કત-ઓમાન સ્થળાંતરિત થયેલા ભારતીય પ્રવાસીઓના ફેલાવા, વિકાસ સહિતના દુર્લભ ડોક્યુમેન્ટ સહિતની ગાથા રજૂ કરશે. ____________________________(૪) ઓડિશાનો વારસો અને સંસ્કૃતિઆ પ્રદર્શન ઓડિશાના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓને તેના વિવિધ કલા અને હસ્તકલાના સ્વરૂપો દ્વારા પ્રદર્શિત કરશે અને તેના પ્રસિદ્ધ વારસાને ઉજાગર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૧૦મી જાન્યુઆરીએ સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરશે. તેઓ ભારતીય ડાયસ્પોરાના પસંદગીના સભ્યોને તેમની સિદ્ધિઓ અને ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનને સન્માનિત કરવા પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર-૨૦૨૫ એનાયત કરશે.____________________________