મોરબી : મોરબી સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પેન્શન તથા મજૂર અદાલત બાબતે રજૂઆત કરી છે. સિલિકોસિસ પીડિતો દ્વારા કલેક્ટરને રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગઈ પરંતુ મોરબીમાં કામ કરતાં લાખો કામદારોને તેમના ઔદ્યોગિક વિવાદોના ઉકેલ અને ન્યાય માટે હજુ મજૂર અદાલત મળી નથી તે આઘાત અને આશ્ચર્યજનક બાબત છે. વધુમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં લાખો કામદારો કામ કરે છે જેમાંના અનેક તો જોખમી ઉદ્યોગોમાં કામ કરે છે. આ લાખો કામદારોને તેમના વેતન, સામાજિક સુરક્ષા, રજાઓ, પી એફ,, ગ્રેજ્યુઇટી, અકસ્માત અને વ્યવસાયિક રોગોમાં વળતર, શિસ્તપાલન, ગેર્કાયદેસર કાઢી મૂકવા, બોનસ, કામના કલાક જેવી અનેક બાબતે માલીકો સાથે સંઘર્ષ અને વિવાદ થતા હોય છે. પરંતુ હાલ તેમને રાજકોટ મજૂર અદાલતમાં જવા સિવાય કોઇ છુટકો નથી, વર્ષો વર્ષ કામ કરવા છતાં તેમને આઈ કાર્ડ પણ નથી આપવામાં આવતા. કામદાર રાજ્ય વીમા કાયદો લાગુ પડતો હોવા છતાં તેમને આવરી લેવામાં આવતા નથી. જ્યારે સ્વાસ્થ્ય સબંધિત મોરબી સિરામિકમાં કારણે સિલિકોસિસની બીમારી થાય તો નિદાન અને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ પાસે ફેફસાંના નિષ્ણાત ડોક્ટર નથી, સીટી સ્કેનનું મશીન નથી. કલેકટરે સિલિકોસિસ દર્દી માટે ફ્રી સારવાર અને નિદાન માટે પરીપત્ર તો જાહેર કર્યો પરંતુ તે માટે યોગ્ય ડોક્ટર જ મોરબી સિવિલ હોસ્પિટલમાં નથી તો એનું અમલીકરણ કેમ થશે ? આવી અનેક બાબતોને ધ્યાનમાં લઈને સિલિકોસિસ પીડિત સંઘ, મોરબી દ્વારા વિવિધ માગણીઓ કરાઈ છે. જેમાં અંત્યોદય કાર્ડ આપવામાં આવે, વિનામૂલ્યે ઓક્સિજન કોન્સટ્રેટર આપવામાં આવે, અપંગને બસ/ટ્રેનની વિનામૂલ્યે મુસાફરી સહિતની માગ કરાઈ છે.