જે પિતા-પુત્રને ગાયો ચરાવવા આપી હતી તેને વેચી મારી, ચાર શખ્સોએ ગાયો ખરીદી તેની કતલ કરી : પોલીસ બનાવના મૂળ સુધી પહોંચતા ચોંકાવનારા ખુલાસા થયામોરબી : માળીયા મીયાણાના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપી હતી. જે પૈકીની 14 જેટલી ગાય પરત ન આપતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી.બાદમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 14 ગાયો વેચી નાખવામાં આવી હતી. જે ચાર શખ્સોસ આ ગાયો ખરીદી તેઓ 13 ગાયોની કતલ કરી નાખી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ખાખરેચી ગામે પશુપાલનનો ધંધો કરતાં જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શીયારએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલીવાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓની માલિકીની 20 ગાય તેમજ બળદેવભાઈ મેવાડાએ પોતાની માલિકીની 30 ગાય આરોપીઓને પૈસા આપીને રખેવાળ તરીકે ચરાવવા માટે થઈને આપી હતી જે પૈકીની ફરિયાદીની ત્રણ ગાય અને બળદેવભાઈની 11 ગાય આમ કુલ મળીને 14 ગાય આરોપીઓએ પરત નહીં આપીને માલધારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ દ્વારા આરોપી આમીન કરીમભાઈ લધાણી અને મુસ્તાક આમીનભાઈ લધાણી રહે. બન્ને ચીખલી, રમજાન હારુનભાઈ જામ રહે. જુના અંજિયાસર, અલાઉદ્દીન મુસાભાઇ જામ, અબ્બાસ મુસાભાઇ મોવર, અને સાઉદીન ઓસમાણ કાજેડીયા રહે. ત્રણેય કાજરડા વાળાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છેઇન્ચાર્જ પીઆઇ કે.કે. દરબારે જણાવ્યુ હતું કે, જે આરોપીઓને પકડવામાં આવેલ છે તે પૈકીનાં આરોપી મુસ્તાક લધાણી અને આમીન લધાણીને ચરાવવા ફરિયાદી સહિતના જે માલધારીઓએ તેની ગાય આપી હતી જેમાંથી તેને 1 થી 4 હજાર સુધીની રકમ લઈને આરોપી રમજાન જામ અલાઉદ્દીન જામ, અબ્બાસ મોવર અને સાઉદીન કાજેડીયાને ગાય ગેરકાયદે વેંચી નાખી હતી અને ત્યાર બાદ આરોપીએ રણ વિસ્તારમાં ગાયની કતલ કરી હતી. જે 14 ગાય ગુમ થઈ હતી તેમાંથી એક ગાય જીવિત મળી આવી છે જો કે, બાકીની 13 ગાયને આરોપીઓએ કતલ કરી હોવાનું જણાવી રહ્યા છે. પોલીસ હજુ બનાવમાં ઊંડાણપૂર્વકની હકીકત જાણવા આરોપીઓના રિમાન્ડ મેળવશે તેવું જાણવા મળી રહ્યું છે.