મોરબી : આજે બોરીયા પાટીના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી મોરબીના આજુબાજુના વાડી વિસ્તારમાં ભુગર્ભ ગટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બોરીયા પાટી વિસ્તારમાં પણ ભુગર્ભ ગટર નાખવાની કામગીરી પણ ચાલુ હોય જેમાં પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી થતી ન હોય તેમજ શેરી અંદરની લાઈન 8 ઈંચની અને મેઈન લાઈન પણ 8 ઈંચની નાખવાની કામગીરી હાથ ધરી હતી જેના વિરોધમાં સ્થાનિકો દ્વારા મેઈન લાઈન 24 ઈંચની નાખવામાં આવે તેમજ વર્ક ઓર્ડર / પ્લાન મુજબ કામગીરી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.આ અગાઉ પણ લેખિત સ્વરૂપે કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને આજની તારીખે ભુગર્ભ ગટર નાખવાની કામગીરી બંધ હાલતમાં છે. ત્યારે આજરોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સ્થાનિકોની માંગણી સંતોષાય તેવી આશા નવનિયુક્ત કમિશનર પાસે વ્યક્ત કરી છે અને ભુગર્ભ ગટર નાખવાની કામગીરી ફરીથી ચાલુ થાય તેવી માગ કરી છે.