મોરબી : મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે, એક કિશોરી મોરબીના નવાગામમાં આંટાફેરા મારી રહી છે. તેથી 181 અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા તેમજ મહિલા કોન્સ્ટેબલ વિલાસબેન અને પાયલોટ વિજયભાઈ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા. કિશોરીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે તે મધ્યપ્રદેશથી અહીંયા પોતાના દાદા-દાદી સાથે ખેતીવાડીમાં કામ કરવા આવી છે. દાદીએ પૈસા ન આપતા તે તેમની પાસેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ ભુલી પડી ગઈ હતી.આથી 181 અભયમની ટીમે દીકરીને નંદકુંવરબા આશ્રય ગૃહના મેનેજમેન્ટ પરેશભાઈ ત્રિવેદી અને અસ્મિતાબેન ગોસ્વામી સાથે મળીને દીકરીના પરિવારના સભ્યોનો સંપર્ક કરીને તેમને બોલાવ્યા હતા અને દીકરી સાથે મિલન કરાવ્યું હતું. સાથે જ દીકરીના પરિવારજનોને પણ દીકરી સાથે યોગ્ય વર્તન કરવા જણાવ્યું હતું. આ તકે પરિવારજનોએ પણ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.