આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં રજુઆત કરી તંત્ર પાસે જવાબ માગ્યો મોરબી : મોરબી મહાનગરપાલિકાના કામોનું ખાત મુહૂર્ત સમયે સુપર સીડ થયેલા નગરપાલિકાના પ્રતિનિધિઓ તથા ભાજપના હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન આપતા આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં રજુઆત કરી તંત્ર પાસે જવાબ માગવામાં આવ્યો છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હમણાં જ અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદારબાગને અંદાજે એક કરોડના ખર્ચે નવીનીકરણ થવા જઈ રહ્યું છે. જે મોરબી માટે ગૌરવ લેવા જેવી વાત છે. કેમ કે, 30 વર્ષથી ભાજપનાં ધારાસભ્ય હોય અને મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું છતાં મોરબીમાં સારાં બાગ બગીચા કે સારી સુવિધાઓ વાળું પર્યટન સ્થળ નથી, જે મોરબી માટે દુ:ખદ બાબત છે. પણ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ નવાં આવેલા કમિશનર દ્વારા મોરબી સરદાર બાગને નવીનીકરણની જાહેરાત કરી અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાત મુહૂર્ત સમયે સુપર સીડ થયેલી મોરબી નગરપાલિકાના જનપ્રતિનિધિઓ અને મોરબી ભાજપનાં હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન અપાયું હતું. તો આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા તંત્ર પર અનેક સવાલો કર્યા છે કે, શું આ સરદાર બાગનું નવીનીકરણ કરવા માટે ભાજપ કે ભાજપ વાળા ફંડ આપશે..? જો ભાજપ વાળા ફંડ આપશે તો એમનાં પુરાવા પ્રજા સમક્ષ રજૂ કરો ? જો ભાજપ કે તેનાં હોદ્દેદારો જો ફંડ ન આપેલ હોય તો તેમને ખાતમુહૂર્ત સમયે સ્ટેજ પર કેમ બેસાડવામાં આવ્યા ? જો આ પ્રસંગ રાજકીય પ્રોગ્રામ હોય તો સરકારી કમિશનર અને બીજા સરકારી અધિકારીઓ ત્યાં કેમ હાજર હતા ? જો ભાજપના હોદ્દેદારો રાજકીય આગેવાન તરીકે આવ્યા હતા તો આમ આદમી પાર્ટી અને બીજા પક્ષોના હોદ્દેદારોને આમંત્રણ કેમ આપવામાં આવ્યું ન હતું ? શું મોરબીમાં કમિશનર એક ભાજપની કઠપુતળી તરીકે કામ કરશે.??આવાં અનેક સવાલો તંત્રને પુછવામાં આવ્યાં હતાં અને સાથે સાથે આ પ્રસંગને ભાજપ પ્રેરિત ગણાવ્યો હતો.