લાઈટ, પાણી, ગટર અંગેની ફરિયાદો નોંધાવી શકાશે : વ્યવસાય વેરો તથા પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે : મેરેજ સર્ટી, હોલ બુકીંગ સેવા મળશે : બાકીની સેવાઓ તબક્કાવાર શરૂ કરાશેમોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રેન બસેરાના પ્રથમ માળે આજથી સિટી સિવિક સેન્ટરનો પ્રારંભ થઇ ગયો છે. જ્યાં હેલ્પ ડેસ્ક સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ વિસ્તારના લોકોને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી લંબાવવુ ન પડે તે માટે અહીં સિવિક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ ગત શનિવારના રોજ સિટી સિવિક સેન્ટર ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી. જે મુજબ આજથી આ સેન્ટર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસથી જ નાગરિકોએ આ સેન્ટરની સેવાઓનો લાભ લેવાનું શરૂ કરી દીધું છે. અહીં લાઈટ, પાણી, ગટર અંગેની ફરિયાદો નોંધાવી શકાય છે. વ્યવસાય વેરો અને પ્રોપર્ટી ટેક્સ ભરી શકાય છે. સાથે મેરેજ સર્ટી તેમજ હોલ બુકીંગ સેવાનો લાભ મળશે. જન્મ મરણના દાખલા સહિતની સેવાઓ આગામી સમયમાં તબક્કાવાર શરૂ કરાશે. તેવું જાણવા મળ્યું છે.