પાવરગ્રીડ કંપની જ્યાં સુધી વળતર અંગે સ્પષ્ટતા નહિ કરે ત્યાં સુધી કામ શરૂ નહીં થવા દેવાનો ખેડૂતોનો નિર્ણય, સાંજે પ્રાંતની બેઠકહળવદ : હળવદના નવા ઇસનપુર ગામે ખાનગી વીજ કંપની દ્વારા વીજ લાઈનનું કામ ચાલી રહ્યું હોય તે ખેડૂતોએ અટકાવી દીધું છે. ખેડૂતોએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી ખાનગી કંપની વળતર મુદ્દે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી કામ શરૂ કરવા દેવામાં આવશે નહીં.પાવર ગ્રીડ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. અગાઉ પણ અનેક ગામોમાં વળતરને લઈને ખેડૂતોમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. આ મામલે કોંગ્રેસે મોટા ગજાના વિરોધ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. આ દરમિયાન આજે હળવદના ઇસનપુર ગામે પાવરગ્રીડ કંપનીનું જે કામ ચાલી રહ્યું હતું. તેમાં પોલીસ ઉપરાંત એસઆરપીનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખેડૂતોએ આ કામ અટકાવી દીધું છે.ખેડૂતોએ જણાવ્યું છે કે ખેતરમાં દાડમ, જીરું, ચણા જેવા પાક વાવવામાં આવ્યા છે. વીજ લાઈન નાખવા માટે આ પાકનો કચરધાણ પણ નીકળી રહ્યો છે એટલે જ્યાં સુધી આ કંપની વળતર મુદ્દે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી કામ શરૂ કરવા દેવામાં આવશે નહીં. બીજી તરફ પ્રાંત અધિકારી સાંજે મામલતદાર કચેરી ખાતે આવી ખેડૂતો સાથે બેઠક યોજવાના છે. તેવી પણ માહિતી મળી રહી છે.