મોરબી : આજ રોજ 4 જાન્યુઆરીના રોજ મોરબીની માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળામાં મોરબી તાલુકા કક્ષાની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને અલ્પાહાર યોજના અંતર્ગત કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકામાંથી 15 શાળાના સંચાલક તથા રસોયા બહેનોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર પન્નાબેન સુધાંશુભાઈને 5 હજાર રૂપિયા આપી સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજા નંબરે લીલાબેન વાઘેલાને 4 હજાર રૂપિયા અને ત્રીજા નંબર હેતલબેન મેસવાણીયાને 3 હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી મોરબી મામલતદારના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી મામલતદાર અને મધ્યાન ભોજન યોજનાના નાયબ મામલતદાર બુશા તેમજ માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય તેમજ અલગ અલગ છ નિરીક્ષકો દ્વારા રસોઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી તાલુકા મધ્યાન ભોજન યોજનાના કર્મચારી સંઘના પ્રમુખ બળવંતભાઈ સનાળીયા તેમજ મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ ધનજીભાઈ ઊંટવાડીયા દ્વારા ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહન અને ઉત્સાહ વધારવા મામલતદારના હસ્તે પ્રમાણપત્ર અપાયા હતા. આ તકે શાળાના આચાર્યનો આભાર વ્યક્ત કરાયો હતો.