ઘટનાને એક વર્ષ વીતવા છતાં સાયબર ગઠિયા પોલીસ પકડથી દૂરમોરબી : મોરબીની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીનું વોટ્સએપ બંધ થઈ જતા વોટ્સએપ ચાલુ કરવા એપ ડાઉનલોડ કરવી પડશે કહી ડેબિટકાર્ડ સ્કેન કરાવી લઈ ગઠિયાએ બેન્ક એકાઉન્ટમા રહેલા 2 લાખ તફડાવી લેતા અલગ અલગ ચાર બેન્ક એકાઉન્ટ ધારક તેમજ વોટ્સએપ નંબર ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જો કે, ચપટી વગાડતા જ સાયબર ગઠિયાને પકડી લેવાનો દાવો કરતી પોલીસ ઘટનના એક વર્ષ બાદ પણ ગઠિયા સુધી પહોંચી શકી નથી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ખાનગી કંપનીમા નોકરી કરતી શિલ્પાબેન ચંદ્રકાંતભાઈ પોપટ નામની યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.27- 10 - 2023ના રોજ તેમનું વોટ્સએપ બંધ થઈ જતા મેઈલ કરી વોટ્સએપ ચાલુ કરવા વિનંતી કરતા એક વોટ્સએપ ઉપરથી અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવતા તેઓએ એપ ડાઉનલોડ કરી હતી. સાથે જ ગઠિયાએ ડેબિટ કાર્ડ સ્કેન કરવાનું કહેતા તેમને ડેબીટકાર્ડ સ્કેન કર્યું હતું. જો કે તુરત જ તેઓને છેતરાયાનો અહેસાસ થતા બેન્ક એકાઉન્ટમાં રહેલી રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી બેંકને જાણ કરી દેવા છતાં એફડીમાં રહેલાં રૂપિયા 2 લાખ ગઠિયાએ તફડાવી લીધા હતા.બીજી તરફ આ છેતરપિંડી મામલે શિલ્પાબેને સાયબર ક્રાઇમમાં તુરત જાણ કરવા છતાં ઘટનાના એક વર્ષ બાદ પણ હજુ બે લાખ રૂપિયા તફડાવી જનારનો કોઈ પતો ન મળતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં વોટ્સએપ નંબર અને ચાર અલગ અલગ બેંકના એકાઉન્ટ નમ્બર ધરાવતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.