વર્ષ 2023માં બનેલા બનાવમાં વાંકાનેર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોવાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે મહિલાને લાકડી વડે માર મારી બન્ને હાથ ભાંગી નાખનાર શખ્સને કોર્ટે કસૂરવાર ઠેરવીને ત્રણ વર્ષની સજા ફટકારવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના લીંબાળા ગામે શંકરભાઈ ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા તા.૦૫/૧૧/૨૩ ના રોજ સાંજના સાતેક વાગે લાકડી અને ધોકાથી શારદાબેન જાદવભાઈ સીતાપરા નામના મહિલાને આડેધડ મારી ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાને ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં બંને હાથે ફેકચર જેવી ઈજા હતી અને માથામાં મુંઢ ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વાંકાનેર સિટી પોલીસમાં આરોપી સામે ગુનો નોંધાયો હતો. આ કેસ એડિશનલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાને લઇ આરોપી શંકરભાઈ ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરાને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે ફરિયાદીને રૂ.20 હજાર વળતર પેટે ચુકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો આરોપી વળતરની રકમ ન ચુકવે તો વધુ બે માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.