મોરબી : મોરબીમાં સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મોરબી જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 230 કેસનું સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વર્ષ 2023-24માં કુલ 248 જેટલા કેસો સામે આવ્યા હતા. જેમાંથી 230 કેસનું સુખદ સમાધાન કરાવાયું છે.સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 248થી વધુ મહિલાઓને અત્યાચારના કેસમાં જરૂરી મદદ પૂરી પાડી ઉમદા કામગીરી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર મોરબીમાં 200 ઘરેલુ હિંસાના કેસ તેમજ 48 અન્ય કેસ આવ્યા હતા. જેમાંથી 181 ટીમ દ્વારા આવેલા કેસો 94, જાતે આવેલા 124 તેમજ પોલીસ સ્ટેશન દ્વારા 30 કેસ આવ્યા હતા. પીડિત મહિલાઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં એક છત નીચે હિંસાથી પીડિત મહિલાઓને કાયદાકીય સહાય, તબીબી સહાય, પોલીસ સહાય, આશ્રય, કાઉન્સેલિંગ, તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાધાન થયેલા કેસોનું સમયાંતરે ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે.