પાંચ અને ત્રણ ટકા વ્યાજે નાણાં મેળવ્યા બાદ વ્યાજ મુદલ નહિ ચૂકવી શકતા ફસાયામોરબી : મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટરે અલગ અલગ ચાર વ્યાજખોરો પાસેથી કટકે કટકે 29 લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ છેલ્લા બે મહિનાથી વ્યાજ કે મુદલ ચૂકવી નહિ શકતા વ્યાજખોરોએ ચેક પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા ચારેય વ્યાજખોરો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ફરિયાદી રસિકભાઈ રતિલાલ ચાવડા ઉ.49 નામના યુવાને આરોપી અર્જુન ઉર્ફે અજુ રાઘવભાઈ ગમારા, જગદીશ ઉર્ફે બલી નાજાભાઈ વરુ અને ચંદુભાઈ નાથાભાઇ વરૂ રહે.વાંકાનેર વાળાઓ પાસેથી પાંચ પાંચ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. આ ઉપરાંત નવા મકનસર ગામે રહેતા બિપિન જમેલભાઈ ધામેચા પાસેથી 14 લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે લીધા હતા. બાદમાં છેલ્લા બે મહિનાથી આરોપીઓને સમયસર વ્યાજ કે મુદલ નહિ ચૂકવી શકતા આરોપીઓએ બળજબરીથી ચેક પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા વ્યાજની પઠાણી ઉઘરાણીના આ બનાવમાં રસિકભાઈએ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.